બીચ પર ગેરકાયદે ચાલતી રાઈડ્સ પર પ્રતિબંધ

પેરાગ્લાઈડિંગના અકસ્માત બાદ તંત્ર જાગ્યું
ઓખા, દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુ ફલેગ બીચનો દરજજાે મળ્યો છે અને પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થયા પછી અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે ત્યારે નિયમો નેવે મુકી કમાણી કરવાના જાેખમી કારનામા બેરોકટોક ચાલતા હોવાની અનેક ફરિયાદો બાદ પણ તંત્રની ઘોર બેદરકારીને કારણે પર્યટકો જીવના જાેખમે રાઈડસની જાેખમી સફર કરી રહ્યા છે.
ચાર દિવસ પૂર્વે અહીં પેરાગ્લાઈડીંગમાં અકસ્માત થતા એક યુવક નીચે પટકાતા તેમને ઈજા થતા મીઠાપુર પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરાયો હતો. જેમનો વીડિયો વાયરલ થતા અહીં રમતના નામે પ્રવાસીઓની સુરક્ષા સાથે થતો ખેલ ઉઘાડો થઈ ગયો હતો જે પછી કલેકટર દ્વારા બીચ પર તમામ રાઈડ્સ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પેરાગ્લાઈડિંગ તથા સ્કુબા ડાઈવિંગ સહિતની સ્પોર્ટસ એક્ટિવિટી મંજુરી વગર અને સેફટીના માપદંડોને અનુસર્યા વગર કોની મહેરબાનીથી ચાલતી હતી એ પ્રશ્ર ઉદભવી રહયો છે.
સદનસીબે પેરાગ્લાઈડીંગના અકસ્માતમાં પીડિતને મોટી ઈજા થઈ નથી પરંતુ જાે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોની જવાબદારી થાત ? આ પ્રશ્રનો ઉત્તર તો સત્તાધીશો આપી શકશે ? અકસ્માતના વાયરલ વીડિયો પછી જાગેલું તંત્ર જાણે પગલાં લેવા મજબુર બન્યું હોય અને પહેલા ‘આંખ આડા કાન’ કર્યા પછી ‘લાલ આંખ’ કરવામાં આવી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.