પાર્સલના નામે કોઈ અજાણ્યો ફોન આવે તો ચેતી જજો
‘તમારું પાર્સલ કસ્ટમ વિભાગે ડિટેન કર્યું છે…’ નવરંગપુરાના વૃદ્ધ વેપારી પાસેથી સાયબર ગઠિયા રૂ.ર.૧૦ કરોડ ખંખેરી ગયા-અજાણ્યા શખ્સોએ વૃદ્ધને સતત ૯ દિવસ સુધી ટોચર કર્યા હતા
અમદાવાદ, તમારું પાર્સલ કસ્ટમ વિભાગે ડિટેન કર્યું છે, તેમાંથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. તમારા આધારકાર્ડ પરથી ઘણા રાજ્યોની બેંકમાં તમારા એકાઉન્ટ છે. તમારા પાર્સલમાંથી એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.
આ પ્રકારનો ફોન કરીને જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે ફોન પર વાત કરાવીને સતત ૯ દિવસ સુધી ટોચર કરીને અજાણ્યા શખ્સોએ વૃદ્ધ પાસેથી રૂ.ર.૧૦ કરોડ પડાવી લીધા હોવાની ફરિયાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે.
નવરંગપુરા વિસ્તારમાં રહેતા મીનેશકુમાર એન્જિનિયર (ઉ.વ.પ૯) ટેસ્ટીંગ એન્ડ સર્ટીફિકેશનનો વ્યવસાય કરે છે. તેમના પત્ની અને બન્ને સંતાન વિદેશમાં સ્થાયી છે. ગઈ ર૦ એપ્રિલે વૃદ્ધના મોબાઈલ ફોન પર ફેડએક્સ એક્સપ્રેસ કંપનીમાંથી આકાશ ચોપડા નામના શખ્સે ફોન કર્યો અને કહ્યું હતું કે, તમારા નામથી બુક કરાવેલું પાર્સલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ ડિટેન કરી લીધું છે.
તેમાંથી પાંચ પાસપોર્ટ, ચાર ક્રેડિટ કાર્ડ અને ર૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ, ચાર કિલો કપડાં, એક જોડી શૂઝ અને એક લેપટોપ મળી આવ્યા છે. તમારા આધારકાર્ડ નંબરથી આ પાર્સલ બુક કરાવ્યું છે. બાદમાં ફોન કરનાર શખ્સે મુંબઈ સાયબર ક્રાઈમમાં કોલ ટ્રાન્સફર કરવો પડે તેમ કહીને ડરાવ્યા હતા.
આ જ પ્રકારે જુદા-જુદા વિભાગના અધિકારીઓ સાથે વૃદ્ધને ફોનમાં વાત કરાવીને ધરપકડ કરવી પડશે તેવો ડર બતાવી વૃદ્ધના ખાતામાં કેટલા રૂપિયા છે.
બીજું કેટલું રોકાણ છે તે તમામ વિગતો જાણીને ગઠિયાએ વૃદ્ધ પાસેથી રૂ.ર.૧૦ કરોડ પડાવી લીધા હતા. વૃદ્ધ રૂપિયા ચૂકવી દીધા બાદ થોડા દિવસ રહીને સાયબર ટોલ ફ્રી નંબર પર કોલ કરીને બનાવ અંગેની જાણ કરી હતી. બાદમાં ગાંધીનગર સાયબર ક્રાઈમે ૯ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.