કોઈની બાઈક તમારી કાર સાથે અથડાય અને ઝઘડો થાય ત્યારે તરત સતર્ક બની જજાે

એક્સિડન્ટના બહાને ચોરી-લૂંટ કરતી ટોળકી સક્રિયઃ 8 લાખ ભરેલી બેગ ઉઠાવી
વેપારીની કાર સાથે બાઈક અથડાવી ત્રણ શખ્સ આઠ લાખ ભરેલી બેગ ઉઠાવી ગયા
(એજન્સી) અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બહાને ચોરી તેમજ લૂંટ કરતી ટોળકી સક્રિય બની છે અને આ પ્રકારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.
શહેરના કોઈ રોડ પર તમારી કાર કે બાઈક જાે અન્ય વ્યક્તિની બાઈક સાથે અથડાય અને ઝઘડો થાય ત્યારે તરત સતર્ક બની જજાે, કેમ કે આ સમય દરમિયાન તમારી ગભરામણનો લાભ ઉઠાવીને શાતિર ટોળકી તમારી કીમતી મત્તા કે રોકડ ભરેલી બેગ ઉઠાવીને પળભરમાં જ છૂ થઈ શકે છે. આવી કોઈ ઘટના બંને ત્યારે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો હિતાવહ છે.
આવો જ એક ચોંકાવનારો કિસ્સો શહેરના ઓઢવ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીની કારને ત્રણ ગઠીયાએ બાઈક અથડાવી હતી ત્યાર બાદ એક્સિડન્ટના બહાને બોલાચાલી કરી તેમની કારમાંથી આઠ લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ ઉઠાવી લીધી હતી અને પળવારમાં જ તેઓ ફરાર થઈ ગયા હતા. ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.
શહેરમાં હવે ધોળા દિવસે પણ ચોરી કે લૂંટને અંજામ આપતી ખતરનાક ઠગ ટોળકી શહેરીજનોને નિશાન બનાવી રહી છે. નિકોલમાં રહેતા વેપારી કૌશિક ઠક્કર દસ લાખ રૂપિયા રોકડા લઈને પોતાની કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે બે લાખ રૂપિયા આંગડિયા પેઢીમાં આપ્યા હતા
અને બાકીના આઠ લાખ રૂપિયા ભરેલી બેગ કારમાં લઈને તેઓ જયારે સિંગરવા બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોળકીએ તેમને ટાર્ગેટ કર્યા હતા. બપોરના અઢી વાગ્યાની આસપાસ બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ અચાનક જ તેમની કારને પાછળથી ટકકર મારી હતી ત્યાર બાદ આ શખ્સોએ ઝઘડો શરૂ કરી કૌશિકને કહ્યું હતું કે, તને દેખાતું નથી કે પાછળ બાઈક છે ?
આ બાઈકસવાર શખ્સો કૌશિક સાથે બોલાચાલી કરી રહ્યા હતા તે દરમિયાન અન્ય બાઈક ઉપર આવેલા બે શખ્સો તેમની કારની આગળની સીટમાંથી આઠ લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. કૌશિકે બુમાબુમ કરવા છતાં ગઠિયાઓ હાથ આવ્યા નહોતા.
આથી કૌશિકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પકડવા માટેની કવાયત શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કુટેજની પણ તપાસ શરૂ કરી છે.