સાંસદનો આક્રમક વલણ પારખી જતાં GIDC દ્વારા લારી ગલ્લા હટાવવાનો કાર્યક્રમ મોકુફ
ઝઘડિયા GIDCએ લારી ગલ્લા હટાવવા નોટીસ આપીઃ ભરૂચના સાંસદનો ઉગ્ર વિરોધ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા જીઆઇડીસીમાં નાના-મોટા લારી ગલ્લા ચલાવી રોજગારી કરતા ઝઘડિયા જીઆઈડીસીના લેન્ડ લુઝરો તથા અન્ય બેરોજગારો દ્વારા પોતાનું પરિવારનું ગુજરાન ચલાવાય છે.છેલ્લા કેટલા સમયથી ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા આ લારી ગલ્લા વાળાઓને મૌખિક સૂચનાઓ આપી પોતાના લારી ગલ્લા હટાવી લેવા માટે જણાવ્યું હતું.
તેમ છતાં લારી ગલ્લા નહીં હટાવાતા ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા તેમને નોટીસ આપી હટાવવા જણાવ્યું હતું અને નહીં હટાવો તો પોલીસ બંદોબસ્ત સાથે હટાવવાનું આજરોજનું અલ્ટીમેટમ આપ્યું હતું.આ બાબતે સ્થાનિક લારી ગલ્લા વાળાઓએ સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક કર્યો હતો.
મનસુખ વસાવા દ્વારા આ બાબતે જવાબદાર ઝઘડિયા તથા ભરૂચના અધિકારીઓ સાથે વાત કરી ચોમાસુ હોય હાલ તે નહી હટાવવા અધિકારીઓને જણાવ્યું હતું.જેથી તે હટાવવાનો કાર્યક્રમ જીઆઈડીસી દ્વારા મોકુફ રાખવામાં આવ્યો હતો.
ગતરોજ મોડી સાંજે ફરી સાંસદને મેસેજ મળ્યો હતો કે ઝઘડિયા જીઆઈડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સોમવારે લારી ગલ્લા હટાવવાના છે.જેથી મનસુખ વસાવાએ પોતાના સોશ્યલ મીડિયાના ગ્રુપમાં મેસેજ નાખી તમામ કાર્યકરો તથા ભોગ બનનારાઓને ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.પરંતુ સાંસદ મનસુખ વસાવાનો આક્રમક વલણ પારખી ગયેલા ઝઘડિયા જીઆઈડીસી દ્વારા આ બાબતે લારી ગલ્લા હટાવવાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો.
પરંતુ મનસુખ વસાવાએ તેમણે જણાવ્યા મુજબ તેઓ તથા તેમના કાર્યકરો તથા લારી ગલ્લા વાળાઓ ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.આ બાબતે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે લારી ગલ્લા હટાવવાનો નિર્ણય સરકારે કર્યો હોય તો સરકાર કોણે બનાવી? સરકાર આપણે જ બનાવી છે ને ! કેટલાક અધિકારીઓની અને ઈન્ડસ્ટ્રી વાળાની મોનોપોલી બનાવી આ રીતે સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કરે છે.
ઝઘડિયા,અંકલેશ્વર,પાનોલી,દહેજ જીઆઈડીસીમાં અધિકારીઓનું રાજ ચાલે છે અને તેઓ પોતે તઘલઘી નિર્ણય લે છે.લેન્ડ લુઝરોને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી અને તેઓને નોકરીઓ પણ રાખવામાં આવતા નથી,તો કાયદો તો ઈન્ડસ્ટ્રી વાળા હાથમાં લે છે.લારી ગલ્લા હટાવવા હોય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી ગરીબોના રોજગારીનો પ્રશ્ન છે,હું અહીં કોઈ રાજકીય રોટલો શેકવા નથી આવ્યો.
વર્ષોથી અહીંના લોકોને રોજગારી મળે એવો મારો આશય છે,જરૂરિયાતમંદ લોકો સાથે મારે રહેવું છે,ઉદ્યોગ સંચાલકોને ઠપકો આપતા જણાવ્યું હતું કે અહીં તમે બિઝનેસ કરવા આવ્યા છો કે સ્થાનિકોને દબાવવા માટે આવ્યા છો? અહીંના લોકોનું શોષણ કરશો તે ચલાવાય નહીં,ગાંધીનગરમાં બેઠેલા હુકમ કરે છે જેથી ગાંધીનગરમાં બેઠેલા લોકોને મેસેજ આપવા માગું છું કે
અમને પૂછ્યા વગર કોઈપણ નિર્ણય કરવો નહીં,ગાંધીનગરમાં બેઠેલો હપ્તા ખોરી માંથી ઊંચા આવતા નથી,ગાંધીનગરમાં બેઠેલાની જેમ અમે હપ્તા નથી ઉઘરાવતા,પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ કોઈપણ પોલીસી બનાવો તો અમને પૂછીને બનાવો તેમ જણાવ્યું હતું.તેઓ સ્થાનિક રોજગારીની વાત કરતા નથી ગાંધીનગરમાં બેસીને અમને ડરાવવાની વાત ના કરશો,
ગાંધીનગરમાં બેઠા બેઠા લોકોની સેવા કરવાની હોય,પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવાના હોય,હેરાન થોડા કરવાના હોય તેમ જણાવ્યું હતું.મનસુખ વસાવા સાથે તેમના કાર્યકરો તથા ઝઘડિયા જીઆઈડીસીની આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.