ગુજરાતમાં ભાજપ ૧૫૦ થી વધુ બેઠકો સાથે જીતશે : કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા
ભરૂચ જીલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાનું આગમન થતા અંકલેશ્વર અને ભરૂચમાં સ્વાગત અને જનસભા યોજાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ભાજપની ભરોસાની સરકારમાં જન જને મુકેલા વિશ્વાસ અને સાથનો આભાર વ્યક્ત કરવા ભરૂચ જીલ્લાના હાંસોટથી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની આગેવાનીમાં ગુજરાત ગૌરવ યાત્રા સાથે પ્રવેશતા તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું.
ઉનાઈ માતાજી મંદિર ખાતેથી ફાગવેલ અને ઉનાઈથી અંબાજી સુધીની ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જે ગૌરવ યાત્રાનું સુરત જીલ્લાના ઓલપાડ તાલુકા માંથી ભરૂચ જીલ્લા હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે યાત્રાનું આગમન થતા સાંસદ મનસુખ વસાવા,પ્રભારી જનક બગદાણાવાળા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.આ યાત્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની આગેવાનીમાં હાંસોટ અને સજાેદ ખાતેથી નીકળી અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક જાહેરસભા યોજાઈ હતી.
અંકલેશ્વર ગડખોલ ખાતે જાહેરસભામાં પરિવર્તિત થયેલી યાત્રામાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનું મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે.તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશ તેમજ દુનિયામાં લોક ચાહના મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.સમગ્ર દેશના અન્ય પ્રદેશોને પણ ગુજરાત અને ગુજરાત વિકાસ મોડલ ઉપર વિશ્વાસ અને ભરોસો છે.
વિરોધીઓ પાસે કોઈ મુદા નહિ હોવાથી તેઓ હતાશ, નિરાશ થઈ ગયા છે અને ગાળો આપવાનું કામ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા ભાજપ સાથે છે અને આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક ૧૫૦ થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો હતો અને વિકાસ વિશ્વાસ અને ભરોસા સાથે કહ્યું હતું કે, આ ગુજરાતની ચૂંટણીના પરિણામ પછી આવનાર ૫૦ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સામે કોઈપણ પક્ષ ચૂંટણી લડવાનું નામ નહિ લે.
વધુમાં અજય મિશ્રાજી એ દેશમાં કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી અને આજે એટલે જ એમની પાસે કોઈ કામ નહીં હોવાનો મત વ્યક્ત કર્યો હતો. અંતમાં તેમણે હુકાર કેયો હતો કે, ભાજપની ટકકરમાં કોઈ નથી. અંકલેશ્વર જાહેરસભામાં પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જનક બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.