જે 200 સીટ પર જ્યાંથી પાર્ટી કાયમ હારે છે તે સીટો પર ભાજપનું ફોક્સ

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનું લક્ષ્ય છે સૌથી શાનદાર પ્રદર્શન
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં અગાઉના તમામ રેકોર્ડ તોડવાના લક્ષ્ય સાથે ભાજપની મશીનરી કામે લાગી છે. જેના ભાગરૂપે ભાજપે પોતાના જૂના સાથીઓને મનાવવાના પ્રયત્ન શરૂ કરી દીધા છે, તેમાં તેને સફળતા પણ મળી છે. બિહારમાં નીતીશકુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. એટલે બિહારની જેડીયુની ૧૬ બેઠકો સલામત કરી દીધી છે.
આવી જ રીતે આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડૂ સાથે ભાજપ ફરી પાછું દોસ્તીનો હાથ મિલાવે તેવી શક્યતાઓએ આકાર લીધો છે. પંજાબમાં પણ અકાલી દલ સાથે ભાજપના નેતાઓએ વાટાઘાટો શરૂ કરી દીધી છે. ઓરિસ્સામાં તાજેતરમાં જ વડાપ્રધાને પ્રવાસ કરીને ઓરિસ્સાના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવીને પોતાના સાથી પટનાયકને ખુશ કરી દીધા છે.
આ ઉપરાંત અત્યારે ભાજપ છોડીને ગયેલા તમમામ નેતાઓને ફરી પાછા ભાજપમાં જોડવાનું અભિયાન પણ જોરશોરથી ચાલી રહ્યું છે સાથે સાથે અન્ય પાર્ટીઓના કદાવર નેતાઓને પણ ભાજપમાં લાવવા માટે મહેનત કરી રહ્યાં છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનું લક્ષ્ય છે સૌથી શાનદાર પ્રદર્શન. આના માટે ભાજપ સામ-દામ-દંડ-ભેદની તમામ નીતિ અખત્યાર કરી રહ્યું છે. જોકે ભાજપનું આ ચૂંટણીનું મુખ્ય લક્ષ્ય પોતાની બેઠકો જાળવી રાખવાની સાથે અત્યાર સુધી ભાજપ જે ૨૦૦ બેઠકો પર કાયમ હારે છે તેમાંથી કેટલી બેઠકો જીતી શકાય તે માટે એક આગવું આયોજન પણ કર્યું છે.
ભાજપ કોઈપણ ચૂંટણીને હંમેશા સિરિયસલી લેતું હોય છે. લોકસભાની ચૂંટણીમાં જ્યારે વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠા વધવાની હોય ત્યારે આ ચૂંટણીમાં કોઈ કરાર ભાજપ છોડવા માગતી નથી. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે ૩૦૩ બેઠકો એકલા હાથે જીતીને સત્તા કબ્જે કરી હતી. ભાજપની સાથી પાર્ટીઓની ૫૦ બેઠકો સાથે ભાજપનું ગઠબંધન એનડીએની ટોટલ બેઠક ૩૫૩ થઈ હતી. જ્યારે આ ચૂંટણીમાં વિપક્ષોએ ૧૮૦ બેઠકો મેળવી હતી.
જ્યારે ૫૮ બેઠકો એવી પાર્ટીઓએ મેળવી હતી કે જેનું કોઈ પણ પાર્ટી સાથે જોડામ ન હતું આ આંકડા પરથી એક એવું તારણ નીકળ્યું છે સાથે જોડાણ ન હતું. આ આંકડા પરથી એક એવું તારણ નીકળ્યું છે કે, ભાજપ છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીમાં ૨૦૦ લોકસભાની બેઠકો પર ક્યારેય જીત્યું નથી. આ બેઠકોમાં મોટાભાગની બેઠકો દક્ષિણ ભારતની છે તથા દેશના પૂર્વ વિસ્તારની છે.
એ તો હકીકત છે કે ભાજપના લાખ પ્રયત્નો છતાં પણ હજુ સુધી દક્ષિણ ભારતમાં તે હજુ ઘૂસી શક્યું નથી. કર્ણાટકને છોડીને દક્ષિણ ભારતના ત્રણ મોટા રાજ્યો આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં ભાજપને પગ મૂકવાની પણ જગ્યા નથી તેવું કહીએ તો ખોટુ નથી. ૨૦૧૯ની ચૂંટણીમાં તામિલનાડુમાં ભાજપને એકપણ બેઠક મળી ન હતી. તેવી જ રીતે આંધ્રપ્રદેશમાં પણ ભાજપનું ખાતું ખુલ્યું ન હતું. કેરળમાં પણ આ જ પરિસ્થિતિ ભાજપની હતી.
હવે દક્ષિણના બાકી રાજ્યો કર્ણાટક અને તેલંગાણામાંથી ભાજપ કર્ણાટકમાં જ સારો દેખાવ કરી શક્યું હતું. કર્ણાટકની લોકસભાની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૨૫ બેઠકો કબજે કરી હતી. જ્યારે તેલંગાણાની ૧૭ બેઠકોમાંથી ભાજપે માત્ર ૪ બેઠકો મેળવી હતી. આમ દક્ષિણનાં રાજ્યોમાંથી કર્ણાટક સિવાય ભાજપનું કોઈ રાજ્યોમાં વર્ચસ્વ નથી. આ સંજોગોમાં ૨૦૨૪માં ભાજપનું લક્ષ્ય સ્વાભાવિક રીતે દક્ષિણનાં રાજ્યો પર રહેશે.
જોકે દક્ષિણ એટલું સરળ ભાજપ માટે નથી. તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશની ૮૧ લોકસભાની બેઠકોમાંથી ભાજપ થોડીઘણી પણ બેઠકો કબજે કરવા પ્રયત્નશીલ છે. ખાસ કરીને કેરળમાં અત્યારસુધી ભાજપ એકપણ લોકસભાની બેઠક જીત્યું નથી તે રેકોર્ડ તોડવા ખુદ વડાપ્રધાન મોદી પ્રયત્નશીલ બન્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાને કેરળનો પ્રવાસ કર્યાે હતો અનેત્યાંના મંદિરોમાં પૂજા અર્ચન કરીને રામમંદિર માટે આશીર્વાદ લીધા હતા.
૨૦૧૪ની આંધ્રપ્રદેશમાં ૨ બેઠકો મેળવી હતી. પરંતુ આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી સાથે ભાજપ હાથ મિલાવે તેવી શક્યતા છે. જોઈએ આવનારા દિવસોમાં દક્ષિણના આ ત્રણ રાજ્યોમાં ભાજપ કેટલા કમળ ખિલવે છે.
પૂર્વ ભારતમાં જોકે દક્ષિણ કરતાં ભાજપનો સારો દેખાવ છે. ગત ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની ૪૨ બેઠકોમાંથી ભાજપે ૧૮ બેઠકો કબજે કરીને રેકોર્ડ સર્જ્યાે હતો. જ્યારે ઓરિસ્સામાં ભાજપને ૮ બેઠકો મળી હતી. નિરીક્ષકોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં હજુ પણ ૨૪ બેઠકો અને ઓરિસ્સામાં ૧૩ બેઠકો પર છેલ્લાં ૧૫ વર્ષથી ભાજપ જીતી નથી
શક્યું. પૂર્વના આ બે મોટા રાજ્યોમાં ભાજપ ૨૦૨૪ની ચૂંટણીમાં વધુ સારા દેખાવની આશા રાખી રહ્યું છે અને તે માટે મહેનત પણ કરી છ. હિન્દી બેલ્ટમાં ભાજપનો દેખાવ સારો છે. યુપીમાં આમ છતાં ત્રણ બેઠકો ભાજપ જીતી નથી શક્યું. તે બેઠકો પર હવે જીતવાની સ્ટ્રેટેજી ગોઠવાશે. બિહારમાં નીતીશકુમાર સાથે હાથ મેળવીને ભાજપે મોટો દાવ ખેલ્યો છે. બિહારની ૪૦ બેઠકોમાંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૧, ભાજપને ૧૭, જેડીયુને ૧૬ અને એલજેપીને ૬ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં જેડીયુની બેઠકો છોડીને બાકીની તમામ બેઠકો ભાજપ કબ્જે કરવાના મૂડમાં છે.
મધ્યપ્રદેશની ૨૯ લોકસભાની બેઠકોમાંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧ બેઠક જીત્યું હતું. કોંગ્રેસના નેતા કમલનાથના ગઢ છિંદવાડાની આ બેઠક કબજે કરવા પણ ભાજપે વ્યૂહરચના ગોઠવી છે પંજાબમાં હજુ કોઈ ચિત્ર ગોઠવાયું નથી. પરંતુ પંજાબની ૧૩ બેઠકોમાંથી ભાજપે માત્ર ૨ જ બેઠકો પર જીત મેળવી હતી. રાષ્ટ્રભક્તિથી ભરેલા પંજાબમાં વધારે બેઠકો મેળવવા ભાજપ મરણિયું બનવાનું છે.
મહારાષ્ટ્રમાં ભાજપે ઉપરાછાપરી ઓપરેશનો કર્યા છે. શિવસેનાને તોડ્યા પછી ભાજપે શરદ પવારની પાર્ટી એનસીપીમાં પણ ભંગાણ પડાવ્યું છે. મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ભાજપે ૨૩ બેઠકો મેળવી હતી. શિવસેના અને એનસીપીએ બાકીની બેઠકો પર કબજો મેળવ્યો હતો ભાજપને આશા છે કે બંને પાર્ટીમાં ભંગાણ થયા પછી મહારાષ્ટ્રમાં બંપર જંપ મળશે.
ભાજપના પ્રવક્તાનું કહેવું છે કે જે ૨૦૦ બેઠકો પર ભાજપને જીત નથી મળી તે બેઠકો પર છેલ્લા બે વર્ષથી પાર્ટી કામ કરી રહી છે. પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓને આવી બેઠકો પર કામે લગાડ્યાં છે. આ ઉપરાંત ૧૬૦ બેઠકો એવી અલગ તારવામાં આવી છે કે જ્યાં પાર્ટી બીજા સ્થાન પર રહી છે અને ઓછા મતોથી હારી છે. આ બેઠકો પર વધારે ફોક્સ રાખીને કામ થઈ રહ્યું છે. આવનાર દિવસોમાં ભાજપ પોતાના ટ્રમ્પ કાર્ડ ખોલશે. પરિણામે આ ૨૦૦ બેઠકોમાંથી એટલિસ્ટ ૩૦ ટકા બેઠકો કબજે કરવાના મૂડમાં ભાજપ છે.