નેહા ઢોલના તાલે ખૂબ નાચી, રોહનપ્રીત સાથે સગાઈ

મુંબઈ: સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહને લઈને એવા ન્યૂઝ છે કે આ બન્ને જલદી જ લગ્ન કરી શકે છે. જોકે, આખરે લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહની રોકા સેરેમની યોજાઈ ચૂકી છે. સિંગર નેહા કક્કડે પોતે જ સોશિયલ મીડિયા પર વિડીયો શૅર કરીને રોકા સેરેમની વિશે જાણકારી આપી હતી.
રોકા સેરેમનીમાં નેહા કક્કડ ઢોલના તાલે થીરકતી જોવા મળે છે. સિંગર નેહા કક્કડે થોડા દિવસો પહેલા જ ફેન્સને તે સમયે અચાનક જ ચોંકાવી દીધા જ્યારે સિંગર રોહનપ્રીત સિંહ સાથે તેણે પોતાના સંબંધની ચર્ચા કરી હતી. આ બન્નેની લગ્નની અટકળો વચ્ચે હવે નેહાએ પોતાની રોકા સેરેમનીનો વિડીયો શૅર કર્યો છે.
આ વીડીયોમાં રોહનપ્રીત અને નેહા ડાન્સ કરતા જોવા મળે છે તેમજ એકબીજાને ભેટતાં પણ જોવા મળે છે. આ વિડીયો શૅર કરતા નેહા કક્કડે લખ્યું કે, નેહૂ દા વ્યાહ વિડીયો કાલે રીલિઝ થશે. ત્યાં સુધી મારા ફેન્સને એક નાનકડી ગિફ્ટ. આ અમારી રોકા સેરેમનીની વીડિયો ક્લીપ. હું રોહનપ્રીત સિંહ અને તેના પરિવારને પ્રેમ કરું છું. આભાર મિસિસ એન્ડ મિસ્ટર કક્કડ એટલે કે મમ્મી અને પાપા. બેસ્ટ ઈવેન્ટ માટે થેંક્યૂ. નેહા અને રોહનપ્રીતના રોકા સેરેમનીના ન્યૂઝથી ફેન્સ ખૂબ જ ખુશ છે.
આ પહેલા સોમવારે નેહાએ અન્ય એક વીડિયો શૅર કર્યો હતો. જે નેહા અને રોહનપ્રીતના પરિવારની પહેલી મુલાકાતનો વીડિયો હતો. જેમાં નેહા રોહનપ્રીત સાથે તેનો હાથ પકડીને બેસેલી જોવા મળી હતી અને બન્ને એકબીજા સાથે વાતો કરીને હસતા જોવા મળ્યા હતાં. નોંધનીય છે કે રોહનપ્રીત સિંહ ઉંમરમાં નેહાથી ૬ વર્ષ નાનો છે.