AMC STP અધિકારીઓની દાદાગીરી: કોન્ટ્રાકટરોના 27 કરોડના પેમેન્ટ ત્રણ વર્ષથી બાકી
એસટીપી ખાતાના અધિકારીઓ કમિશ્નરના આદેશને પણ ઘોળીને પી ગયા છે તેમ લાગી રહયું છે તેમજ આજદીન સુધી પણ કોન્ટ્રાકટરને પેમેન્ટ ચુકવવામાં આવ્યા નથી.
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. એસટીપી વિભાગમાં ચાલતી લાલીયાવાડી અને અધિકારીઓની દાદાગીરીના કારણે કોન્ટ્રાકટરો કામ કરવાથી દુર થઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનના ૧પ સુએઝ ટ્રીટમેન્ટ પાર્ક પૈકી લગભગ ૬ જેટલા પ્લાન્ટની ઓપરેશન મેન્ટેન્સ મુદત પુર્ણ થઈ ગઈ છે
તેમ છતાં અધિકારીઓની તાનાશાહીના કારણે આ તમામ પ્લાન્ટ સક્ષમ સત્તાની મંજુરી વિના ચાલી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે એસટીપી અધિકારીઓનો ભોગ કોન્ટ્રાકટરો પણ બની રહયા છે અને તેમને રૂ.ર૬ કરોડ કરતા વધુ રકમના પેમેન્ટ ચુકવવામાં આવ્યા નથી.
મ્યુનિ. કોર્પોરેશનમાં સામાન્ય રીતે જોવામાં આવે તો કોન્ટ્રાકટરોની દાદાગીરી ચાલતી હોય છે પરંતુ એસટીપી વિભાગમાં તેના વિપરીત ચિત્ર બહાર ઉપસી આવ્યું છે આ વિભાગમાં કામ કરતા કોન્ટ્રાકટરોને ૯ થી ૩૬ મહીના સુધી પેમેન્ટ ચુકવવામાં આવ્યા નથી જેના માટે અધિકારીઓ પાસે કોઈ જ નક્કર કારણ નથી. કમિશ્નરની રિવ્યુ બેઠકમાં લગભગ ૬ મહિના અગાઉ આ બાબતે ચર્ચા થઈ હતી તે સમયે વિભાગના અધિકારીઓએ બીલ પ્રોસેસમાં છે,
એમબીની ગણતરી બાકી છે, વીજીલન્સ તપાસ ચાલી રહી છે, પેનલ્ટીની ગણતરી બાકી છે, જેવા વિવિધ કારણો આપ્યા હતા તેમજ વધુમાં ત્રણ મહિનામાં તમામ કોન્ટ્રાકટરોને પેમેન્ટ ચુકવાશે તેવી ખાતરી કમિશ્નરને આપી હતી પરંતુ એસટીપી ખાતાના અધિકારીઓ કમિશ્નરના આદેશને પણ ઘોળીને પી ગયા છે તેમ લાગી રહયું છે તેમજ આજદીન સુધી પણ કોન્ટ્રાકટરને પેમેન્ટ ચુકવવામાં આવ્યા નથી.
મ્યુનિ. એસ્ટેટ વિભાગના અધિકારીઓ તમામ નીતિ નિયમોને પણ ઘોળી ને પી ગયા હોય તેમ લાગી રહયું છે. લગભગ ૬ જેટલા પ્લાન્ટની ઓપરેશન-મેઈનટેન્સ મુદત પુર્ણ થઈ છે તેમ છતાં હજુ સુધી નવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા નથી. ચોંકાવનારી બાબત એ છે કે જુના કોન્ટ્રાકટરોની મુદત લંબાવવા માટે સક્ષમ સત્તાની મંજુરી લેવામાં આવી નથી તેમજ કોન્ટ્રાકટરોએ પણ આ બાબતે કોઈ જ લેખિત મંજુરી આપી નથી આવા કિસ્સામાં જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે.