બ્રિજ નીચે ગાડી મૂકી આજુબાજુમાં આવેલા બંગલાઓમાં ચોરીનો પ્લાન બનાવતા હતા આરોપીઓ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોપલ બંગલામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો-અનિલ ઉર્ફે બાલો અને સુરેશ ઉર્ફે સુખાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે
અમદાવાદ, થોડા દિવસ પહેલા અમદાવાદના આંબલી વિસ્તારમાંથી એક નિવૃત્ત દંપતીના ઘરેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઘરફોડ ચોરી થઈ હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરી કરનાર વ્યક્તિને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરનાર બે ચોરની ધરપકડ કરી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અનિલ ઉર્ફે બાલો અને સુરેશ ઉર્ફે સુખાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ એક જ ગામના રહેવાસી છે. આરોપી સુરેશ ઉર્ફે સૂખો અગાઉ અનેક ચોરીઓને અંજામ આપી ચુક્યો છે. જેથી તેને ચોરી કરવાનો અનુભવ છે.
સુરેશ ઉર્ફે સૂખાને પૈસાની જરૂર હોવાથી તેણે તેના જ ગામના અન્ય એક અનિલ ઉર્ફે બાલાનો સંપર્ક કર્યો હતો. અનિલ ઉર્ફે બાલાએ ઇકો ગાડી લોન ઉપર લીધી હતી. જેથી તેને લોનના હપ્તા ભરવા માટે પૈસાની જરૂર હતી જેને કારણે બંને આરોપીઓએ અમદાવાદ આવી ચોરી કરવાનું નક્કી કર્યું હતું.
ગઈ તારીખ ૩ એપ્રિલના બપોરે આરોપી અનિલ ઉર્ફે બાલાની ઇકો ગાડીમાં બંને આરોપીઓ તેના ગામથી અમદાવાદ બોપલ પાસે આવ્યા હતા. જ્યાં બોપલ બ્રિજ નીચે ઇકો ગાડી મૂકી બંને આરોપીઓ ચાલતા બ્રિજની આજુબાજુ આવેલા બંગલાઓની રેકી કરી હતી. જે બાદ બોપલ બ્રિજ નીચે પાર્ક કરેલી ઇકો ગાડીમાં જ રાતના બે વાગ્યા સુધી સૂઈ ગયા હતા
અને રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ બોપલ બ્રિજ પાસેનાં ડી માર્ટ પાસે આવેલા બંગલાઓ બહાર ઇકો ગાડી ઉભી રાખી હતી. જે બાદ અનિલ ઉર્ફે બાલો બહાર ધ્યાન રાખવા ગાડીમાં જ બેઠો જ્યારે સુરેશ ઉર્ફે સુખો તેની પાસે રહેલા લોખંડના ખાતરિયા સાથે એક બંગલાનો મુખ્ય દરવાજો તોડી બંગલાની તિજોરીમાંથી સાત હજાર રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી પરત આવી ગયો હતો. જે બાદ બંને આરોપીઓ ઇકો ગાડીમાં પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.
બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી સુરેશ ઉર્ફે સુખો અગાઉ ભાવનગર, સોલા હાઇકોર્ટ, આનંદનગર, વડોદરા, બોટાદ સહિતના ગામોમાં ચોરી તેમજ અન્ય ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, જ્યારે આરોપી અનિલ ઉર્ફે બાલો અગાઉ ભાવનગર ખાતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે
તેમજ આ બંને આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો આ બંને લોકો સિવાય ચોરીના ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ આવેલું છે કે કેમ તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સરખેજ પોલીસને મુદ્દા માલ તેમજ આરોપી સોંપવામાં આવ્યા છે.