પ્રચાર માટે જતા ઉમેદવારોનું ક્યાંક ફલોથી સ્વાગત તો ક્યાંક રોષનો ભોગ બનવું પડે છે
પ્રચાર માટે જતા ઉમેદવારોને સ્થાનિક પ્રશ્નો અંગે રોષનો ભોગ બનવું પડે છે
(એજન્સી)અમદાવાદ, રાજયમાં વિધાનસભા ચુંટણી ટાણે મતદારો પાસે મત માગવા જતા જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવારોને અવનવા અનુભવ થઈ રહયા છે. કેટલાક નાગરીકો ઉમેદવારોને આવકારીને ફુલહાર પહેરાવી સ્વાગત કરે છે.
તો કેટલાક નાગરીકો સ્થાનીક પ્રશ્નો ઉકેલવામાં ધાંધીયા થતા હોવાથી ઉગ્ર રજુઆત કરતાા નજરે પડે છે.ઉમેદવારો પાસે નાગરીકોના ગમાઅણગમાને સ્વીકારીને આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. જાેકે, છેલ્લા કેટલાક સમયથી નારાજ નાગરીકો પોતાનાં પ્રશ્નોના નિકાલ કરાવવા માટે મતદાન બહીષ્કાર ચુંટણી બહીષ્કારનાં એલાન કરવા લાગ્યા છે.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી, રોડ, ગંદકી સહીતના પ્રશ્નોની નારાજગી વ્યકત કરવા બેનર લગાવતાં ભાજપ-કોગ્રેસ સહીત રાજકીય પક્ષોના ઉમેદવારો ચિંતામાં ગરકાવ થઈ ગયાં હતા અને નારાજ મતદારોને મનાવવા તમામ પ્રકારની ખાતરી આપવા અપાવવામાં પ્રયાસો હાથ ધર્યા છે.
સ્થાનીક સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, બાપુનગર, દાણીલીમડા, પાલડી, વાસણા, વેજલપુર, સહીત શહેરના અનેક વિસ્તારોમાં નાગરીકોની આવી નારાજગીનો ભોગ પ્રચાર માટે જતા ઉમેદવારોને થઈ રહયો છે.
રાજકીય પક્ષોના ઉમેદવારો પણ નાગરીકોને શાંતીપુર્વક સાંભળી તમારા પ્રશ્નો ધારાસભ્ય નહી પંરતુ કોર્પોરેશન કે સ્થાનીક તંત્રના છે તેવું સમજાવીને ટેકેદારો સાથે પ્રચાર માટે આગળની વાટ પકડવાનું મુનાસીબ સમજે છે.