જેક્લીન સાથે મિત્રતા માટે ચંદ્રશેખરે શાહના નંબરથી ફોન કર્યો હતો?
મુંબઈ, ૨૦૦ કરોડથી વધુની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખરે ગૃહમંત્રી અમિત શાહનો નંબર પણ સ્પૂફ કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અનુસાર, ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝ સાથે મિત્રતા કરવા માટે આવું કર્યું હતું. ઈડીએ કહ્યંં કે, સુકેશ ચંદ્રશેખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઓફિસ નંબરને ‘સ્પૂફિંગ’ કરીને ફોન કર્યો હતો.
તેણે દાવો કર્યો હતો કે તે તામિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે જયલલિતાના ‘રાજકીય પરિવાર’ સાથે સંબંધ ધરાવે છે. ઈડીએ મની લોન્ડરિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ દાખલ ચાર્જશીટમાં આ માહિતી આપી છે. ‘કૉલ સ્પૂફ’ એટલે કે જ્યારે ફોનની રિંગ વાગે છે, ત્યારે કૉલરનો સાચો નંબર નહીં, પરંતુ કોઈ અન્યનો નંબર દેખાય છે.
એજન્સીએ આ વર્ષે બે વાર ૩૬ વર્ષીય ફનાર્ન્ડિસનું નિવેદન નોંધ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ચંદ્રશેખરે પોતાની ‘શેખર રત્ન વેલા’ તરીકેની ઓળખ આપી હતી. એજન્સીએ આ મહિનાની શરૂઆતમાં સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં ચંદ્રશેખર, તેની પત્ની લીના મારિયા પોલ અને અન્ય છ લોકોનું નામ આપ્યું હતું. ઈડી અનુસાર, સુકેશે જેકલીન પર પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.
સુકેશે લગભગ ૧૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જેમાં સોના અને હીરાના દાગીના, ઈમ્પોર્ટેડ ક્રોકરી તેમજ ૫૨ લાખની કિંમતનો ઘોડો પણ આપ્યો. ઉપરાંત ચાર પર્શિયન બિલાડીઓ પણ ભેટમાં આપી હતી. જેમાં એક બિલાડીની કિંમત ૯ લાખ રૂપિયા છે.
આટલું જ નહીં, સુકેશે જેકલીન માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા. તેને ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી દિલ્હી બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ દિલ્હીથી ચેન્નાઈની ચાર્ટર્ડ ફ્લાઈટ પણ બુક કરી હતી. બંને ચેન્નાઈની અલગ-અલગ મોંઘી હોટલમાં રોકાયા હતા અને બંનેની ત્રણથી ચાર વાર મુલાકાત થઈ હતી.SSS