ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના દરજી સમાજના લોકોએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યુ
સૌ સમાજ વર્ગોને સાથે રાખી સૌના સાથ-સૌના વિકાસને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે સાકાર કર્યુ છેઃ- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સૌ સમાજ વર્ગોને સાથે રાખીને સૌના સાથ, સૌના વિકાસનો મંત્ર દેશમાં સાકાર થયો છે. મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના દરજી સમાજ આયોજિત અભિવાદન સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.
કેન્દ્રીય કપડા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના શ્રી મયંક નાયક, ભગવાનદાસ પંચાલ, પદ્મશ્રી કનુભાઇ ટેલર વગેરે આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગુજરાત તેમના દિશાદર્શનમાં ડબલ એન્જીન સરકારના લાભ મેળવી દેશનું વિકાસ મોડેલ બન્યું છે.
વિકાસની આ યાત્રામાં સમાજના સૌ વર્ગો સાથે મળીને સહભાગી થયા છે તેમાં દરજી સમાજનું પણ ઉલ્લેખનીય યોગદાન છે એમ તેમણે ઉમેર્યુ હતું.
કેન્દ્રીય કપડા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશે આ સમાજની દિકરીને પ્રથમવાર કોઇ પ્રધાનમંત્રીશ્રીએ કપડા મંત્રાલયનો પદભાર સૌંપ્યો છે તેને સમાજનું યથોચિત સન્માન ગણાવી આભાર વ્યકત કર્યો હતો.
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ દરજી સમાજના વધુને વધુ લોકો સુધી પહોચે તે માટે આવનારા દિવસોમાં શિબિરો યોજવાની નેમ દર્શાવી હતી.
પદ્મશ્રી કનુભાઇ ટેલરે ભારતને વિશ્વમાં શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઊજાગર કરવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતામાં દરજી સમાજ પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દરજી સમાજના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પરિવારો, અગ્રણીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોમાં સદાય સક્રિય સહયોગની ખાતરી આપી હતી.