અમદાવાદમાં પ્રજાલક્ષી કામો માટે ઉચ્ચ અધિકારીઓને રાત્રી રાઉન્ડ લેવા કમિશનરની તાકીદ
મ્યુનિસિપલ હોસ્પિટલો તેમજ અન્ય મ્યુનિ. મિલકતમાં રાત્રિ દરમ્યાન ફરજ બજાવતા કર્મચારીની હાજરી, તેમજ મિલકતોની સ્વચ્છતાની ચકાસણી કરવાની રહેશે.
( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વસતા નગરજનોને રોડ, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય વિષયક, પરિવહન, શિક્ષણ, અગ્નિશમન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
આ સેવાઓ વધુ સુદ્રઢ બને અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે તેનું સમયાંતરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનીટરીંગ થાય તે જરૂરી છે. જેને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓને 12 ઓગસ્ટ સુધી નાઈટ રાઉન્ડ કરવા સૂચના આપી છે.
મ્યુનિસિપલ કમિશનરે જાહેર કરેલા પરિપત્ર મુજબ આસી.કમિશનર, એડી.ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અસરથી મ્યુનિ.હોસ્પિટલો, મ્યુનિસિપલ હસ્તકના પ્લોટસ, બગીચાઓ, બ્રીજ નીચેની જગ્યાઓ, રેનબસેરા, શેલ્ટર હોમ, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન / વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હેનેજ પંમ્પીંગ સ્ટેશન, મ્યુનિસિપલ હોસ્પિટલો. મ્યુનિસિપલ હસ્તકના પ્લોટસ. બગીચાઓ, બ્રીજ નીચેની જગ્યાઓ, રેનબસેરા, કાંકરીયા. રીવરફ્રન્ટ જેવા જાહેર સ્થળો, પરિવહન સેવાઓ, શહેરના જાહેર માર્ગો પર રાત્રી રાઉન્ડ લેવાના રહેશે.
મ્યુનિ. અધિકારીઓએ રાત્રિ રાઉન્ડ દરમ્યાન ઝોનમા સ્કેપીંગ, સફાઈ વિગેરેના ચાલતા રાત્રી કામો (કોન્ટ્રાક્ટર અને ડીપાર્ટમેન્ટલી). નુ આકસ્મિક ચેકીગ કરવાનુ રહેશે.આ ઉપરાંત રાત્રિ રાઉન્ડ દરમ્યાન અધિકારીઓએ મ્યુનિસિપલ મિલકતોની ચકાસણી, સ્ટાફની હાજરીની ચકાસણી, મિલકતમાં સાફ-સફાઇ, સ્ટ્રીટ લાઇટની ચાલુ-બંધની સ્થિતિ, ફર્નિચર-ફીકસચરની પરિસ્થિતિની ચકાસણી કરવાની રહેશે..
તેમજ નવા બનતા રોડનું પણ મોનીટરીંગ કરવાનું રહેશે. કચરો વધુ ભેગો થતો હોય તેવી જગ્યાઓ, કોમર્શીયલ કોમ્પલેક્ષ પાસે, પ્લોટો તેમજ જાહેર રસ્તા ઉપર પડેલ કચરો, કન્ટેનર બહારનો કચરો, કન્ટેનર ન ઉપડેલ હોય તો તેની તેમજ ન્યુસન્સ સ્પોટની ચકાસણી, સિકયુરીટી પોઇન્ટની ચકાસણી કરવાની, મ્યુનિસિપલ હોસ્પિટલો તેમજ અન્ય મ્યુનિસિપલ મિલકતમાં રાત્રિ દરમ્યાન ફરજ બજાવતા કર્મચારીની હાજરી, તેમજ મિલકતોની સ્વચ્છતાની ચકાસણી કરવાની રહેશે.
ઉપરોકત મિલકતો પૈકી રાઉન્ડ લીધેલ સ્થળોની વિગતો તેમજ અન્ય ધ્યાનમાં આવેલ બીજી કોઇ વિગતો અંગેની નોંધ કરી તે અંગેની જાણ ટીમના વડા અધિકારીશ્રીએ ઇ-મેઇલ મારફતે સબંધિત ખાતાના અધિકારીને અને તેની નકલ BCC મારફતે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને કરવી.
તે જ રીતે સબંધિત ખાતા દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણ રાઉન્ડ લેનાર ટીમને ઇ-મેઇલ મારફતે કરવાની રહેશે અને તેની નકલ BCC મારફતે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને કરવાની રહેશે. તેમજ રાઉન્ડનો વિગતવાર રીપોર્ટ આ સાથેના નમૂનાના પત્રકમા ભરી ટીમના વડા અધિકારીશ્રીએ મે.મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઈ મેઈલથી જાણ કરવાની રહેશે.
આ પ્રમાણેના રાત્રિ રાઉન્ડ જાહેર રજાઓ સિવાયના કચેરી કામકાજના દિવસોમાં લેવાના રહેશે. આ ઓર્ડરનો અમલ તાકીદની અસરથી કરવો.