અમદાવાદ શહેરના ખાડાગ્રસ્ત રસ્તાઓનુંં કોંગ્રેસે કર્યું નામકરણ
મેયર અને AMCના કમિશનર પરથી રખાયું નામ
ચોમાસાની સીઝનમાં ૨૫ હજાર જેટલા ખાડાઓનું સમારકામ કરાવ્યું હોવાનો AMC અને ભાજપનો દાવો
અમદાવાદ, કોંગ્રેસના કાઉન્સિલરોએ શહેરના પૂર્વ ભાગમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલા કેટલાક રસ્તાઓનું નામ બદલીને ‘મેયર કિરીટ પરમાર રોડ’ અને ‘કમિશનર લોચન સેહરા રોડ’ રાખીને વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના કાઉન્સિલરોએ તેમના વિરોધ પ્રદર્શનને કેમેરામાં રેકોર્ડ પણ કર્યું હતું અને તે ક્લિપ સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી હતી.
કોંગ્રેસના કાઉન્સિલરો અને કાર્યકરો વસ્ત્રાલ, નિકોલ, નરોડા અને મણિનગર સહિતના કેટલાક વિસ્તારોમાં ગયા હતા અને શહેરના મેયર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના નામ પરથી તૂટી ગયેલા રસ્તાઓનું નામકરણ કરતાં બેનરો લગાવ્યા હતા.
એએમસીમાં વિપક્ષના નેતા અને દાણીલીમડા કોંગ્રેસના કાઉન્સિલર શહેઝાદ પઠાણે જણાવ્યું હતું કે, એએમસીના અધિકારીઓ અને શાસક પક્ષ ભાજપે વરસાદની આ સીઝનમાં શહેરમાં ૨૫ હજાર જેટલા ખાડાઓનું સમારકામ કરાવ્યું હોવાનો દાવો કર્યો હતો પરંતુ તે દાવાઓ ખોટા છે. ‘આપણે શહેરમાં દરેક જગ્યાએ ખાડાઓથી ભરેલા રસ્તાઓ જાેઈ શકીએ છીએ.
કરદાતાઓને યોગ્ય રસ્તાઓ પ્રદાન કરવામાં નિષ્ફળ ગયેલા મહાનગરપાલિકાના સત્તાધીશોની અસલિયત લાવવા માટે અમે આ અભિયન હાથ ધર્યું હતું. જ્યાં અમે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પર બેનરો અને બોર્ડ લગાવ્યા હતા. તેમના નામ કમિશન સહેરા અને મેયર કિરીટ પરમારના નામ પરથી રાખ્યું હતું’, તેમ પઠાણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, શહેરીજનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણી ફરિયાદો બાદ પણ એએમસીએ કોઈ પગલા લીધા નથી. તેથી, શહેરજનોને આ મામલો કોર્ટમાં લઈ જવાની ફરજ પડી રહી છે.શહેઝાદ પઠાણે તેમ પણ કહ્યુ હતું કે, વર્ષ ૨૦૨૦માં શહેરમાં ૩૦,૫૦૯ ખાડાઓના સમારકામ માટે એએમસીએ ૬.૯ કરોડ રૂપિયા, ૨૦૨૧માં ૨૦,૩૬૯ ખાડાઓ પૂરવા માટે ૭.૧૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો એએમસીએ દાવો કર્યો હતો.
આ વર્ષે પણ કરોડો રૂપિયા વાપર્યા હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ આ વર્ષે શહેરમાં ૮૩ જેટલા મોટા ભૂવા પડ્યા હોવાનું નોંધાયું હતું. પઠાણે દાવો કર્યો હતો કે, મ્યુનિસિપલ કોર્પોરેશને ૩૦% પ્રીમિયમ પર રોડ રિપેર ટેન્ડરો મંજૂર કર્યા હતા. તેમ છતાં રસ્તાની સ્થિતિ દયનીય છે.ss1