તમારી ચા તો કોઈ પીવે છે, મારી ચા તો કોઇ પીતું પણ નથીઃ ખડગે
(એજન્સી)સુરત, ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં પહોંચેલા ખડગેએ સુરતમાં એક રેલીમાં પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાનને જૂઠ્ઠાણાનો નેતા ગણાવ્યા હતા. ખડગેએ કહ્યું- વડાપ્રધાન પોતાને ગરીબ કહે છે, પરંતુ મારાથી ગરીબ કોણ હશે, હું અસ્પૃશ્ય છું.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતી. પોતાને ગરીબ અને અસ્પૃશ્ય ગણાવતા, તેમણે પીએમ મોદી પર વળતો પ્રહાર કર્યો અને તેમને જૂઠ્ઠાણાઓનો નેતા કહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે,તમે કહો છો કે હું ગરીબ છું, પણ હું તો ગરીબમાંથી પણ ગરીબ છું.
અરે ભાઈ, અમે પણ ગરીબ છીએ. અમે ગરીબોમાં સૌથી ગરીબ છીએ. અમે અસ્પૃશ્યોમાં આવીએ છીએ. ઓછામાં ઓછું કોઈ તમારી ચા તો પીવે છે, મારી ચા તો કોઇ પીતું પણ નથી. ખડગે અહીં જ ન અટક્યા, તેમણે ગુજરાતની ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું- તમે ગરીબોની જમીન લૂંટી રહ્યા છો અને આદિવાસીઓને જમીન નથી આપી રહ્યા.
જમીન, જળ અને જંગલનો નાશ કોણ કરી રહ્યું છે? તમે અમીર લોકો સાથે મળીને અમને લૂંટી રહ્યા છો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વધુમાં કહ્યું કે મોદી અને શાહ પૂછે છે કે, કોંગ્રેસે છેલ્લા ૭૦ વર્ષમાં શું કર્યું? જાે આપણે ૭૦ વર્ષમાં કામ ન કર્યું હોત તો આજે આપણને લોકશાહી ન મળી હોત.
આવી વાતો કરીને સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરશો તો લોકો હવે સ્માર્ટ થઈ ગયા છે, તે એટલા મૂર્ખ નથી, એક વાર ચાલે, એકવાર જૂઠું બોલશો તો સાંભળશે. જાે તમે બે વાર બોલો તો પણ તેઓ સાંભળશે. કેટલી વાર જૂઠ્ઠુ બોલશો.. અને તેના પર તેઓ કહે છે કે, કોંગ્રેસના લોકો દેશને લૂંટી રહ્યા છે.