Western Times News

Gujarati News

માછલી પકડવાની જાળમાં સ્ફટિકનું મોટું શિવલિંગ ફસાતાં લોકોમાં કુતુહલ

જંબુસરનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી અનોખુ શિવલિંગ મળી આવતા ભક્તો ઉમટ્યા-લોકોએ શુધ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતાં તેમાં શેષ નાગ, શંખ ,મુર્તિ દ્રશ્યમાન થઈ હતી. 

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) દક્ષિણ ગુજરાતના સોમનાથ ગણાતા ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનથી થોડેક જ દૂર દરિયામાં ધનકા તીર્થ અખાત બંદરેથી માછીમારોને અઢી ફૂટનું તરતું સ્ફટિકનું શિવલિંગ મળી આવતા ભક્તિનો સાગર છલકાઈ ઉઠ્‌યો છે. જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાત માંથી દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ મળી આવતા શિવ ભક્તોનું ધોડાપૂર ઉમટી રહ્યું છે.

નર્મદામાં કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચ જીલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે.ત્યારે ગુરુવારના રોજ વહેલી સવારે જંબુસર તાલુકાનાં કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ મહીસાગર સંગમ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા. જેઓ મચ્છી પકડી રહ્યા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કઈક ભારદાર વસ્તુ ફસાઈ જતાં માછીમારોએ તેને જોતાં તરતુ શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઊચકી જોતાં તે નહીં ઉચકાતાં અન્ય ૧૨થી વધુ લોકોએ દોરડા વડે તેને ઊંચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં શિવ ભક્તોની ભીડ જામી હતી.

લોકોએ શુધ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતાં તેમાં શેષ નાગ, શંખ ,મુર્તિ દ્રશ્યમાન થઈ હતી. અનોખુ શિવલિંગ જોતાં જ શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.આ અઢી ફૂટનું શિવલિંગ સ્ફટિક પથ્થર માંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.