ધોરાજીમાં મુરલી મનોહર મંદીરનો વહીવટ સરકારે હસ્તક લેતાં ભકતોનો ઉપવાસ
ધ્વજારોહણ, અન્નક્ષેત્ર સહીતના વિનામૂલ્યે થતા કાર્યો બંધ થતાં કચવાટ
ધોરાજી, રાજકોટનાં ધોરાજી તાલુકાનાં સુપેડી ગામના સુપ્રસિદ્ધ પૌરાણીક મુરલી મનોહર મંદીરનો વહીવટ સરકારે હસ્તક લેતાં મહંત સહીતના ભકતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ મંદીરમાં ધ્વજારોહણ અન્નક્ષેત્ર સહીત ર૬ મનોરથ અગાઉ વિનામૂલ્યે થતાંં હતા. જે બંધ કરી દેવાયા હોવાનો આક્ષેપ ભકતોએ કર્યો છે.
નોધનીય છેકે, ધોરાજી તાલુકાનાં સુપેડી ગામના સુપ્રસિદ્ધ પૌરાણીક મુરલી મનોહર મંદીરનું વિશેષ મહત્વ છે. આ મંદીરનું સંચાલન હવે મામલતદાર હસ્તક લેવામાં આવ્યું છે. આ મામલે ગત પાંચ ફેબ્રુઆરીએ ભકતોએ મામલતદારને મંદીરમાં પ્રશાસનનાં હસ્તક્ષેપનો વિરોધ કરી અલ્ટીમેટલ પણ આપ્યું હતું.
જોકે પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે ભકતજનો દ્વારા મંદીરનાં પટાંગણમાં આમરણાંત ઉપવાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આજે મંદીરમાં મોટી સંખ્યામાં ભકતજનોએ રામધુન બોલાવી પ્રશાસનનો વિરોધ કર્યો હતો.
આ મામલે ભાવીક ભકતોના જણાવ્યા પ્રમાણે ધોરાજી તાલુકાનાં સુપેડી ગામે આવેલા સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદીર ખાતે પરંપરાગત ૮મી ગુરુ ગાદીએ ચાલતા સનાતન ધર્મના ર૬ પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા. જેમાં ફ્રી ધ્વજારોહણ ફ્રી અન્નક્ષેત્ર સહીતનાં કાર્યો મંદીરમાં વિનામૂલ્યે ચાલતા હતા. જેમાં સરકારી પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરી પોતાના હસ્તક લેતા ભકતજનોમાં ભારે નારાજગી છે.
ભકતોના જણાવ્યા પ્રમાણે મંદીર વર્ષોથી પુરાતન વિભાગ હેઠળ આવે છે. અને પુરાતન વિભાગના નિયમ હેઠળ ચાલે છે. પરંતુ પ્રશાસન દ્વારા કમીટી બનાવી પોતાના હસ્તક લઈ લેવાની પેરવી કરી છે. અને મંદીરમં ચાલતી વિનામૂલ્યે સેવા બંધ કરાવી છે. હવે કોઈપણ ભકતોને ધ્વજા ચડાવવી હોય તો પ્રશાસન મંજૂરી લઈ ચડાવવા જણાવાયું છે.
તેમજ વિનામૂલ્યે અન્નક્ષેત્ર અને ગાયોનો નિભાવ બંધ કરવામાં આવતા ભાવીકોમાં નારાજગી ફેલાઈ છે. આ અંગે ધોરાજી મામલતદાર એ.પી. જોશીએ સ્થાનીક મીડીયાને જણાવ્યું હતું કે, કમીટી દ્વારા કોઈ જ પ્રકારનાં મંદીરમાં ચાલતા વહીવટ ઉપર પ્રતીબંધ નથી. મંદીરમાં ચાલતા ધ્વજા ચડાવવા કે દર્શન ઉપર પાબંધી નથી. જે રીતે મંદીરમાં વર્ષોથી વહીવટ ચાલે છે. તેજ પ્રમાણે ચાલશે.