નર્મદાની કેનાલોમાંથી પાણી લિકેજ થતાં બે ફૂટ ખોદો ત્યાં પાણી નીકળે છે
થરાદના ગણેશપુરા ગામે બે ફૂટે પાણી આવતાં લોકોની પરેશાનીઓ વધી
વાવ, સરહદી વિસ્તારમાં નર્મદાની મુખ્ય કેનાલને કારણે જમીનમાં પાણીના સ્તર દિન પ્રતિદિન ઉપર આવી રહ્યા છે. ગત ઉનાળામાં રાજય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન ટેકનોલોજી દ્વારા નર્મદાની કેનાલને કોટેડ બનાવી મુખ્ય કેનાલમાંથી પાણી લીકેજ ન થાય એ માટેની કામગીરી કરવામાં આવી હતી
ત્યારે થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં જમીનમાં સરવાણી થઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જેને કારણે લોકોની પરેશાનીઓ વધી છે. આ કારણે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી સમસ્યાનો અંત લાવવા માટેની માંગ કરી છે.
આ અંગે સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા મુખ્યમંત્રી સહિત સિંચાઈ વિભાગ અને જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું હતું કે થરાદ તાલુકાના ગણેશપુરા ગામના તળાવમાં પાણી ભરાઈ રહેતાં ગામમાં સરવાણી થઈ જવા પામી છે. જેને કારણે નજીકમાં સ્મશાન ભુમિ આવેલ છે ત્યાં પણ થોડું ખોદકામ કરતાં પાણી આવી જવાથી મુશ્કેલી વેઠવી પડે છે.
તળાવમાં પાણી ભરાઈ જવાથી તળ ઉંચા આવવાથી શોષ કૂવા કે શૌચાલય માટેના કૂવા પણ બનાવી શકતા નથી જે ગ્રામજનો માટે ખુબ ગંભીર સમસ્યા ઉભી થઈ છે. આથી ગ્રામજનોએ ભેગા મળીને તાલુકા કક્ષાએથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.