2 મહિનામાં 2 મુખ્યમંત્રીની EDએ ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો
જમીન કૌભાંડમાં ઝારખંડના CM હેમંત શોરેનની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓ હાલ પણ જેલમાં બંધ છે.
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ છવાયેલો છે ત્યારે બે મહિનામાં બે રાજ્યોના સીએમની ધરપકડ થતાં વિપક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. ૩૧ જાન્યુઆરીએ ઈડી દ્વારા જમીન કૌભાંડમાં ઝારખંડના સીએમ હેમંત સેરોનની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓ હાલ પણ જેલમાં બંધ છે. સેરોન બાદ હવે ઈડ્ઢએ કથિત એક્સાઈઝ કૌભાંડના કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે,
અને તે પણ લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ. હેમંત સોરેનની માફક અરવિંદ કેજરીવાલને પણ ઈડીએ દસ સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર થવા ફરમાન કર્યું હતું, પરંતુ કેજરીવાલ ઈડ્ઢના સમન્સને ગણકારી જ નહોતા રહ્યા. જોકે, આજે દસમું સમન્સ પાઠવવાની સાથે જ કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ પણ કરી લેવાઈ હતી. હેમંત સોરેનની ધરપકડ થઈ તે પહેલા તેમની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી,
જ્યારે અરવિંદ કેજરીવાલને માત્ર બે કલાકની પૂછપરછ બાદ અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. કેજરીવાલની જે કેસમાં ધરપકડ કરાઈ છે તે જ કેસમાં તેલંગાણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખર રાવની દીકરી કવિતાની પણ તાજેતરમાં જ ઈડીએ ધરપકડ કરી હતી. અરવિંદ કેજરીવાલને આવતીકાલે કોર્ટમાં હાજર કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, તેઓ સીએમ પદેથી રાજીનામું આપશે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ નથી.
હેમંત સોરેને અરેસ્ટ થયા બાદ રાજીનામું ધરી દીધું હતું અને ત્યારબાદ ઝારખંડમાં તેમની સરકારને પાડવાના પણ પ્રસાયો થયા હતા, જોકે તેમના પક્ષે છેલ્લે બધું મેનેજ કરી લઈને સરકાર બચાવવામાં સફળતા મેળવી હતી. કેજરીવાલના કેસમાં આમ આદમી પાર્ટી હાલ એવો દાવો કરી રહી છે કે કેજરીવાલ રાજીનામું નહીં આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે.
કેજરીવાલની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું કે ચૂંટણી ટાણે દિલ્હીના સીએમને આ રીતે ટાર્ગેટ કરવા ખોટું અને ગેરબંધારણીય છે. રાજકારણનું સ્તર આ હદે નીચું લઈ જવું ના પ્રધાનમંત્રીને શોભે છે કે ના તો તેમની સરકારને. પોતાના આલોચકો સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરીને લડો, તેમનો મુકાબલો કરો, તેમની નીતિઓ અને કાર્યશૈલી પર હુમલો કરો- તે જ લોકતંત્ર છે.
પરંતુ આ પ્રકારે દેશની તમામ સંસ્થાઓની તાકાતનો પોતાના રાજકીય હેતુ પૂરા કરવા ઉપયોગ કરવો, દબાણ કરીને તેમને કમજોર કરવી લોકતંત્રના દરેક સિદ્ધાંતની વિરૂદ્ધમાં છે.
દેશના વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસના ખાતાં ફ્રીઝ કરી દેવાયા, તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ પર ED, CBI અને ITનું દિવસ-રાત પ્રેશર છે, એક મુખ્યમંત્રીને જેલભેગા કરી દેવાયા છે અને બીજાને પણ જેલમાં લઈ જવાની તૈયારી થઈ રહી છે. આવું શરમજનક દ્રશ્ય ભારતના સ્વતંત્ર ઈતિહાસમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે.