પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલ્ટનને કેન્સર થયું
નવી દિલ્હી, બ્રિટનના શાહી પરિવારના વધુ એક સભ્યને કેન્સર થયું છે, કિંગ ચાર્લ્સ બાદ હવે તેમના પરિવારના પુત્રવધૂ કેટ મિડલ્ટને પણ પોતાને કેન્સર થયું હોવાનું જાહેર કર્યું છે.
કેટ મિડલ્ટન ઘણા દિવસોથી જાહેરજીવનથી દૂર હતાં, અને તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી તે દરમિયાન શાહી પરિવાર દ્વારા કેટનો ફેમિલી સાથે એક ફોટોગ્રાફ પણ શેર કરાયો હતો, પરંતુ તેને પણ ફોટોશોપમાં એડિટ કરાયો હોવાથી આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. કેથરિન (કેટ મિડલ્ટન)એ પોતાની મેડિકલ ટીમનો આભાર માનતા જણાવ્યું હતું કે પોતે હાલ કેન્સરથી રિકવર થઈ રહ્યાં છે.
જાન્યુઆરીમાં થયેલી સર્જરીમાંથી રિકવરી અને ત્યારબાદ શરૂ થયેલી કેન્સરની ટ્રીટમેન્ટ બાદ બાળકોને આ અંગે કઈ રીતે જાણકારી આપવી તેમજ પોતે કેન્સરથી રિકવર થઈ જશે તેવું તેમને કઈ રીતે સમજાવવું તે કામ ઘણું પડકારજનક હોવાનું પણ કેટ મિડલ્ટને પોતાના વિડીયોમાં કહ્યું હતું.
પરિવારના સહયોગથી પોતે રોજેરોજ વધુને વધુ મજબૂત થઈ રહ્યાં હોવાનું જણાવતા કેટ મિડલ્ટને એમ પણ કહ્યું હતું કે હાલ તેમને પરિવારના સાથ, સમય અને પ્રાઈવસીની ખાસ જરૂર છે.
પોતાની માફક કેન્સરથી પીડાઈ રહેલા અન્ય લોકોને પણ તેમણે વિશ્વાસ ના ગુમાવવાની સલાહ આપતા કહ્યું હતું કે કેન્સર સામેની લડાઈમાં તમે એકલા નથી. પોતાના સ્વાસ્થ્યને લઈને થઈ રહેલી જાતભાતની અટકળોને વિરામ આપતા આખરે શુક્રવારે સાંજે બ્રિટનના શાહી પરિવારે કેટ મિડલ્ટનનો એક વિડીયો રિલીઝ કર્યો હતો, જેમાં કેટે પોતે કેન્સર સામે લડી રહી હોવાની વાતનો એકરાર કર્યો હતો.
જાન્યુઆરીમાં કેટ મિડલ્ટન પર એક એબડોમિનલ સર્જરી (પેટનું ઓપરેશન) પણ થઈ હતી, અને તે વખતે તેમને કેન્સર હશે તે કન્ફર્મ નહોતું થયું. જોકે, સર્જરી બાદ થયેલા કેટલાક ટેસ્ટ્સ્માં તેમના શરીરમાં કેન્સરના કોષોની હાજરી જોવા મળતા કેટ મિડલ્ટનને કીમોથેરાપી આપવામાં આવી હતી.
૪૨ વર્ષની કેટ મિડલ્ટન ત્રણ બાળકોની માતા છે જેમના ૨૦૧૧માં પ્રિન્સ હેરી સાથે લગ્ન થયા હતા, ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ઓફ વેલ્સના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે તેમની કેન્સરના શરૂઆતના સ્ટેજની સારવાર ચાલી રહી છે.
કેટ મિડલ્ટનને શેનું કેન્સર થયું છે તેની કોઈ માહિતી તેમણે શેર કરેલા વિડીયોમાં આપવામાં નથી આવી, જોકે તેમણે એબડોમિનલ સર્જરીની જે વિગતો શેર કરી છે તેનાથી તેમને ગર્ભાશયનું કેન્સર થયું હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
બ્રિટિશ રોયલ ફેમિલી છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં રહી છે, અગાઉ પ્રિન્સ વિલિયમ્સના નાના ભાઈ હેરી અને તેમના પત્ની મેગને રોયલ ફેમિલીથી અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રોયલ ફેમિલીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ પહેલીવાર જાહેરમાં આવ્યો હતો.
જોકે, ત્યારપછી ૨૦૨૨માં ક્વીન એલિઝાબેથ બીજાનું મોત અને તેમના નિધન બાદ કિંગ બનેલા ચાર્લ્સને પણ કેન્સર થયાના સમાચાર ખાસ્સા ચર્ચામાં રહ્યા હતા, ત્યારે હવે કેટ મિડલ્ટનને પણ કેન્સર હોવાની વાત બહાર આવી છે.SS1MS