સાબરકાંઠા-અરવલ્લીના કિસાનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાઃ વિવિધ માંગણીઓનું આવેદન આપ્યું
કૃષિ ઉત્પાદનના મૂલ્ય આધારિત ભાવ નક્કી કરવા,કિસાન સન્માન નિધિમાં વૃદ્ધિ કૃષિને જીએસટી મુક્ત કરવા માંગ ઉઠાવાઈ
(પ્રતિનિધિ)મોડાસા, ગતરોજ સોમવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે ગુજરાત સહિત તમામ રાજ્યોના ખેડૂતોની વિશાળ કિસાન ગર્જના રેલી યોજાઈ હતી.જેમાં સાબરકાંઠા-અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત અને રાજ્યભરમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી હજારો કિસાનો પોતાની વિવિધ માનગણીઓના કાયમી હલ માટે ઉમટી પડ્યા હતા અને પ્રધાનમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરી અને મહામંત્રી મોહિની મોહન મિશ્રની આગેવાનીમાં આ ગર્જના રેલીમાં ભારતના તમામ રાજ્યોના ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ રામ લીલા મેદાનમાં ઉમટી પડયા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપેલા આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલ મુખ્ય મંગણીઓમાં કૃષિને જીએસટીની ચુંગાલમાંથી મુક્ત કરવું, ખેડૂતોને એમની તમામ ખેત પેદાશોના ભાવ મૂલ્ય આધારિત ભાવો નક્કી કરવા તેમજ કૃષિ પેદાશોના ભાવ નક્કી કરવાના અધિકારો ખેડૂતોને આપવા , આ ઉપરાંત હાલ જે કિસાન સન્માન નિધિ મળે છે.
એ વધતી જતી મોંઘવારી સામે વૃદ્ધિ કરવાની આવશ્યકતા હોઈ એમાં પ્રભાવી વધારો કરવાની માંગણીઓનો સમાવેશ થાયછે.એમ વિજયનગર કિસાન સંઘના પ્રમુખ જયંતિભાઈ પટેલે દિલ્હી કિસાન ગર્જના રેલીની માહિતી આપતા જણાવ્યું હતું.