આખરે અમદાવાદ શહેર ઢોરના ત્રાસમાંથી મુક્ત થયું
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને શહેરમાં નવી પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલિસીની કડકાઈથી અમલવારી કરવાના પગલે લોકો ઢોરના ત્રાસથી મુક્ત થયા
જુલાઈ-૨૦૨૩માં નોંધાયેલી ૨૩૬૧ ફરિયાદ સામે ગત ફેબ્રુઆરી મહિનામાં માત્ર ૭૫ ફરિયાદ મળી
(એજન્સી)અમદાવાદ, શહેરીજનોને રોજબરોજના જીવનમાં કનડતી સમસ્યાઓમાં રખડતાં ઢોરની રંજાડનો મામલો પણ એક સમયે ભારે માથાનો દુખાવો બન્યો હતો. રખડતાં ઢોરના ત્રાસથી નાગરિકો વારંવાર તકલીફમાં મુકાતા હતા. અનેક વખત તો રખડતાં ઢોરની અડફેટે ચઢીને ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા તો કેટલાક કિસ્સામાં નાગરિકોને પોતાનો મહામૂલો જીવ ગુમાવો પડ્યો હતો.
અજાણ્યા લોકો તો શહેરના રોડ પર ઠેરઠેર અડ્ડો જમાવીને બેસેલાં રખડતાં ઢોરને જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા હતા, જો કે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને શહેરમાં નવી પશુ ત્રાસ અટકાવ અને નયંત્રણ અંગેની પોલિસીની કડકાઈથી અમલવારી કરવાના પગલે હવે અમદાવાદીઓ રખડતાં ઢોરના મામલે ભારે રાહત અનુભવી રહ્યા છે.
ખુદ મ્યુનિ. તંત્રનો સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે અગાઉ કરતાં હવેના દિવસોમાં રખડતાં ઢોરને લઈને આંગળીના વેઢે ગણાય તpટલી ફરિયાદો મળી રહી છે.
ગત તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩થી મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને શહેરમાં નવી પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલિસીની સખતાઈપૂર્વક અમલાવરી શરુ કરાવી છે. રખડતાં ઢોરને પકડવાની કામગીરી વેગીલી બનાવતાં પશુમાલિકોમાં ભારે ફફડાટ પેસી ગયો છે.
જે પશુમાલિકો પહેલાં આખો દિવસ પોતાના ઢોરને છૂટાં મુકી દેતા હતા તેવા પશુમાલિકોમાં તંત્રનો ડર પેસી ગયો છે. પરિણામે હાલમાં શહેરમાંથી રખડતાં ઢોર જાણે કે અદ્રશ્ય થઈ ગયાં છે.
મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા ઢોર રાખવાની પૂરતી જગ્યા ન ધરાવતા પશુમાલિકોને તેને રાખવા માટેનાં લાઈસન્સ-પરમિટ ૯૦ દિવસમાં ફરજિયાત કરાતાં શહેરમાંથી ૪૨ હજારથી વધુ ઢોર આસપાસના વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ ગયાં છે. જો કે હવે કેટલાક પશુમાલિકોએ પોતાનાં ઢોર શહેરમાં લાવવાની છાનેછપને શરૂઆત કરી દીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
જોકે મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગનો રખડતાં ઢોરની ફરિયાદો અંગેનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે, જુલાઈ-૨૦૨૩ માં શહેરમાં ઢોરની રંજાડ ભયજનક હદે વધી ગઈ હતી. તે મહિનામાં રખડતાં તંત્રના ચોપડે ચઢી હતી.
બીજા અર્થમાં તે દિવસોમાં રોજેરોજની ૭૬થી વધુ ફરિયાદો તંત્રને મળતી હતી, જો કે નવી ઢોર પોલિસી માટે તંત્રએ કડકાઈપૂર્વક ડંડા પછાડતાં હવે આ ફરિયદોનું જોર સાવ ઘટી ગયું છે.
ગત ફેબ્રુઆરી મહિનામાં સત્તાવાળાઓ સમક્ષ રખડતાં ઢોરને લઈને માત્ર ને માત્ર ૭૫ ફરિયાદે મળી હતી એટલે કે જો જુલાઈ મહિનામાં રોજની ૭૬થી વધુ ફરિયાદો તંત્ર સમક્ષ ભારે પડકારરૂપ બની હતી તેની સામે આ વખતે લીપ યર હોવાથી ૨૯ દિવસ ધરાવતાં ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર મહિના દરમિયાન કુલ ૭૫ ફરિયાદ જો નોંધાઈ હોય તો એ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરીજનોને હવે ઢોર રંજાડમુક્ત અમદાવાદ મળી રહ્યું છે.
તંત્ર દ્વારા ચાલુ માર્ચ ૨૦૨૪નો રખડતાં ઢોરની રંજાડ અંગેની ફરિયાદોનો રિપોર્ટ એ પણ દર્શાવે છે કે છેલ્લા ૧૭ દિવસમાં તંત્રને માત્ર ને માત્ર ૪૪ ફરિયાદ મળી છે એટલે કે આ માર્ચ મહિનો રખડતાં ઢોરની ફિરયાદના મામલે નાગરિકો માટે ભારે રાહતરૂપ બનવા જઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મ્યુનિસિપલ ચોપડે રખડતાં ઢોરને લગતી કુલ ૯૦૬૯ ફરિયાદો નોંધાઈ છે.