રિવરફ્રન્ટ ‘ધ રિવર ક્રૂઝ’માં એક વ્યક્તિની થાળીની કિંમત આટલી હશે જાણી લો!!

રિવરફ્રન્ટ ઉપર એક મહિના બાદ ફલોટિંગ રેસ્ટોરાંમાં લંચ-ડિનરનો ‘લહાવો’ લઈ શકાશે-હાલ ‘ધ રિવર ક્રૂઝ’માં એસી ફિટિંગ સહિતના ઈન્ટિરિયરનું કામ પુરજાેશમાં જારી: સ્વાદના શોખીન નગરજનોને તંત્ર દ્વારા અદ્ભુત ભેટ મળશે
(એજન્સી) અમદાવાદ, કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવનાર મ્યુનિસિપલ સત્તાવાળાઓ તેના આકર્ષણમાં નિતનવા પ્રોજેકટથી વધારો કરી રહ્યા છે, તેમાં પણ ફલોટિંગ રેસ્ટોરાં તો લાંબા સમયથી ચર્ચાસ્પદ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ ડ્રીમ પ્રોજેકટ હોઈ ખાસ્સી જહેમત બાદ ફલોટિંગ રેસ્ટોરાંનો લહાવો અમદાવાદીઓ માણી શકશે.
ટૂંક સમયમાં એટલે કે એક મહિના બાદ સાબરમતી નદીની ભવ્યતામાં ફલોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝ ચાર ચાંદ લગાવશે.
છેલ્લા સાત-આઠ વર્ષથી સાબરમતી નદીના વહેતા નીરમાં તરતી રેસ્ટોરાંમાં બેસીને આસપાસનો નજારો માણવા માણતા મનભાવતા ભોજનનો સ્વાદ માણવાનું સ્વપ્ન શોખીન અમદાવાદીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.
છેલ્લે વર્ષ ર૦૧૯માં ફલોટિંગ રેસ્ટોરાંના પ્રોજેકટની ફાઈલ પરની ધૂળ ખંખેરાઈ હતી, જે કોરોનાની મહામારીના કારણે પાછી અભરાઈએ ચઢાવી દેવાઈ હતી. ત્યારબાદ મ્યુનિ. સત્તાધીશોએ વર્ષ ર૦રરમાં નવેસરથી કવાયત આરંભી હતી. ફલોટિંગ રેસ્ટોરા કમ ક્રૂઝનો વર્ક ઓર્ડર દસ મહિના પહેલાં અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સને અપાઈ ગયો છે.
આ કંપની ફલોટિંગ રેસ્ટોરાં ‘ધ રિવર ક્રૂઝ’એ રૂ.૧૦ થી ૧ર કરોડના ખર્ચે તૈયાર કરી રહી હોવાથી અત્યારે તેમાં એ.સી., ફિટિગ્સ વગેરે ઈન્ટિરિયરનું કામ ચાલે છે, જે વધુમાં વધુ ૧પ-ર૦ દિવ્સમાં પુરું થઈને અન્ય ટેકનિકલ બાબતોને જાેતા એક મહિનાની અંદર અમદાવાદીઓને મોજ કરાવતી થઈ જશે.
સ્વાદના રસ્યાઓ માટે બપોરના લંચ તથા સાંજના ડિનરની વ્યવસ્થા ઉભી કરાશે, જેમાં ઉદાહરણ તરીકે એક વ્યક્તિની થાળીની કિંમત જાે રૂ.બે હજાર હશે તો તે વ્યક્તિ મ્યુઝિક સહિતના પર્ફોર્મન્સનો આનંદ લેતા લેતા ભોજન માણી શકશે. આ ફલોટિંગ રેસ્ટોરાનો નીચેનો ભાગ કુલ્લી એ.સી. હોઈ તેમાં પ૦ વ્યક્તિઓ બેસી શકશે, જયારે ઉપરનો માળ ખુલ્લો હશે અહીયા પણ પ૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા કરાશે.
અમદાવાદીઓ માટે ફલોટિંગ રેસ્ટોરાં અમૂલ્ય નજરાણું બનવાનું છે, પરંતુ તેને સાકાર કરવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ ઈન્ડિયા રજિસ્ટર શિપિંગ (આઈઆરએસ) જેવી રાજય અને દેશની પ્રસિદ્ધ સંસ્થાઓ પાસેથી સેફટીને લગતી વિવિધ મંજૂરીઓ લેવી પડી છે.
અટલબ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફલોટિંગ રેસ્ટોરાં દોઢ કલાકનો એક રાઉન્ડ લેશે, લોકો ફલોટિંગ રેસ્ટોરામાં પ્રવેશી અને તેમાંથી ઉતરી શકે તે માટે સરદારબ્રિજ અને અટલબ્રિજ વચ્ચે નવી જેટી તૈયાર થઈ રહી છે. આ જેટીનું નિર્માણ અન્ય સ્થળે યુદ્ધના ધોરણે થઈ રહ્યું હોઈ સહેલાણીઓ માટે પૂરતા લાઈફ ગાર્ડ અને લાઈફ સેવિંગ જેકેટની પણ વ્યવસ્થા કરાશે.