Western Times News

Gujarati News

પેટલાદ સિવિલ ખાતે કેન્સરના પ્રથમ દર્દીને કીમોથેરાપી સારવાર વિનામૂલ્યે મળતાં દર્દીના કુટુંબીજનો ગદગદીત

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) સામાન્ય રીતે કેન્સરના દર્દીઓને ઓપરેશન પહેલા કે ઓપરેશન પછી કીમોથેરાપી આપવામાં આવે છે. જે હવે જીલ્લાની પેટલાદ સ્થિત સિવીલ હોસ્પિટલ ખાતે બીપીએલ અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને કિમોથેરાપીની સારવાર વિનામૂલ્યે મળશે. First cancer patient at Petlad Civil receives free chemotherapy treatment, patient’s family ecstatic

ઉપરાંત આણંદ જિલ્લા બહારના કેન્સર દર્દીઓ પણ અહીંયા કિમોથેરાપીની સારવાર મેળવી શકશે. જે લોકો પાસે બીપીએલ કાર્ડ કે આયુષ્માન કાર્ડ નથી તેવા દર્દીઓને પણ સરકાર દ્વારા નક્કી કરાયેલ નજીવા દરે સારવાર આપવામાં આવશે. જેથી આણંદ જિલ્લાના કેન્સરના દર્દીઓ કે જેઓ અમદાવાદ, વડોદરા જેવા શહેરોમા જઈ ખાનગી હોસ્પિટલમાં કિમોથેરાપીની સારવાર પાછળ મસમોટો ખર્ચો થતો હતો તેમાંથી હવે દર્દીઓને મુક્તિ મળશે.

આ અંગે પેટલાદ સિવીલમાં કેન્સર વિભાગના નોડલ ઓફિસર ડો. માર્ગેશ પટેલે જણાવ્યું હતું કે અમારી મલ્ટિડિસિપ્લિનરી ટીમ દરેક દર્દીની ચોક્કસ સ્થિતિ, તબીબી ઇતિહાસ અને એકંદર આરોગ્યને ધ્યાનમાં રાખીને સારવારની યોજનાઓ તૈયાર કરશે.

કીમોથેરાપી એ કેન્સરની સારવારનો એક મહત્વપૂર્ણ ઘટક છે. કીમોથેરાપી એ એક જટિલ પ્રક્રિયા છે. જેમાં સાવચેતીપૂર્વક આયોજન, વ્યક્તિગત સારવાર પ્રોટોકોલ અને સતત દેખરેખની જરૂર હોય છે. પેટલાદ સિવિલ હોસ્પિટલમાં તેની ઉપલબ્ધતા આણંદ જિલ્લાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

કેન્સરના જે દર્દીઓને કીમોથેરાપી હજુ શરૂ થઈ નથી તેવા દર્દીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અમદાવાદ ખાતે પહેલી કીમોથેરાપી માટે જવાનું રહેશે. ત્યારબાદ તમામ કીમોથેરાપી પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવશે. જાે આણંદ જિલ્લાના રહેવાસી હોય અને જીસીઆરઆઈ અમદાવાદ કે અન્ય શહેરમાં કીમોથેરાપી લેવા જવાનું હોય તેમાં રાહત મળશે.

પેટલાદ સિવિલ ખાતે કીમોથેરાપીના દર્દીઓ માટે અલગ વોર્ડ તૈયાર કરી ચાર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એક બેડ ઉપર દિવસ દરમિયાન ત્રણ દર્દીને કીમોથેરાપી સારવાર આપવામાં આવશે. દૈનિક બાર દર્દીઓને કીમોથેરાપીની સારવાર આપી શકાશે.

તાજેતરમાં પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે કીમોથેરાપી લેવાનો સૌ પ્રથમ દર્દી પેટલાદ શહેરના રહેવાસી આવ્યા હતા. જેઓને ફેફસાનું કેન્સર હોવાથી કીમોથેરાપીની સારવારની જરૂર હતી. તેઓને તેમની કેન્સરની સારવારના ભાગરૂપે કીમોથેરાપીની સારવાર અહીંયા વિનામૂલ્યે આપવામાં આવી હતી.

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દીને વિનામૂલ્યે સારવાર મળતાં દર્દી તથા તેમના કુટુંબીજનોએ સંતોષની લાગણી અનુભવી હતી. કુટુંબીજનોએ હોસ્પિટલના કેન્સર કીમોથેરાપી વિભાઞના નોડલ ઓફિસર ડો. માર્ગેશ પટેલ તથા સ્ટાફની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

સારવાર મેળવનાર દર્દીના સગાએ જણાવ્યું હતું કે અગાઉ તેઓને તેમના દર્દીની સારવાર માટે અમદાવાદ, વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ ખર્ચાળ સારવાર માટે જવું પડતું હતું. હવે કેન્સરની કીમોથેરાપીની સારવાર પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે જ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ ગઈ હોવાથી તેઓને અમદાવાદ વડોદરાના વારંવારના ધક્કા ખાવાથી છૂટકારો મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.