રામોલ-હાથીજણમાં તૈયાર કરવામાં આવેલ ચાર આંગણવાડીના પણ લોકાર્પણ થશે
ગૃહમંત્રી અમિત શાહ આગામી સપ્તાહમાં રૂ.૧પ૪૮ કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં મ્યુનિ. કોર્પોરેશનના વિકાસકામો પ્રજા સમક્ષ મુકવામાં આવશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહયા છે તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે પ્રજાકિય કામો ચાલી રહયા છે તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત જે કામો પૂર્ણ થઈ ગયા છે તેના લોકાર્પણ અને જે કામો શરૂ કરવાના છે
તેના ખાતમુહૂર્ત કરવા માટેના ચક્રો ગતિમાન રહયા છે. આગામી સપ્તાહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહયા છે તે સમયે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભામાં કુલ રૂ.૧પ૪૮ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન જે કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેમજ જે કામોના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે તેને પ્રજા સમક્ષ લઈ જવામાં આવશે જેના માટે ત્રણ લોકસભા વિસ્તારમાં કુલ પ૮ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. જે પૈકી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ર૮, અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ૬ કામોના લોકાર્પણ કરશે
જયારે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૧૧ અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં ર૩ કામોના લોકાર્પણ કરશે. આગામી સપ્તાહમાં રૂ.૮૯૯.૦પ કરોડના કામોનું લોકાર્પણ જયારે રૂ.૬૪૯.૩૭ કરોડના કામોનું ખાતમુહુર્ત થશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સિંધુ રોડ પર બનાવવામાં આવેલા મલ્ટીલેવલ પા‹કગ, પ્રહલાદનગર મલ્ટીલેવલ પા‹કગ, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં વો.ડી. સ્ટેશન, નારણપુરા વોર્ડમાં ઝુંપડપટ્ટી પુનઃ વિકાસ અંતર્ગત પ૮૮ આવાસ તેમજ મ્યુનિ. પ્રાથમિક શાળા,
થલતેજ વોર્ડમાં પાર્ટી પ્લોટ અને અગિયાર સ્થળોએ પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવેલ ચાર્જીંગ સ્ટેશનોના લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા વિસ્તારના ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરા વોર્ડમાં મળી ૧૦ શાળાના પણ લોકાર્પણ કરવામાં આવશે.
અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના મણિનગર વોર્ડમાં જુના સ્લમ કવાર્ટસ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા ૪૪૮ મકાન તેમજ અમદાવાદ પૂર્વ લોકસભાના ઠક્કરબાપા નગર વોર્ડમાં તૈયાર કરવામાં આવેલ ૩૪૮ મકાનોના લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ વોર્ડમાં તૈયાર કરવામાં આવેલ ચાર આંગણવાડીના પણ લોકાર્પણ થશે.