ગાંધીનગરમાં રૂ.૩ર કરોડમાં બનેલા આઈકોનિક રોડ પર અંધારપટ છવાયો
ગાંધીનગર, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં પાટનગરને શોભે તેવો આઈકોનિક રોડ બનાવવા માટે પીડીપીયુ-ગિફટ સિટી માર્ગની પસંદગી થઈ હતી. ભાઈજીપુરાથી ગિફટ સુધી છ કિ.મી. લાંબો રોડ માત્ર ૬૦ દિવસમાં બનાવી દેવાયો હતો અને તેના માટે રૂ.૩ર કરોડનો ખર્ચ થયો હતો.
મોડેલ આઈકોનિક રોડ તરીકે તેને ગાંધીનગરની આગવી ઓળખ બનાવવાનો દાવો પણ થયો હતો. જોકે જાળવણીના અભાવે આ મોડલ રોડ પર અનેક સ્થળે તાર ફેન્સિંગ અને ડિવાઈડર તોડીને દબાણો કરી દેવાયા હતા. વીજ પોલના ખુલ્લા વાયરોના કારણે ચોમાસામાં હોનારતનું જોખમ ઝળુંબી રહ્યું છે ત્યારે ગુરુવારે રાત્રે સમગ્ર મોડેલ રોડ પર અંધારપટ છવાયો હતો.
ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાઈજીપુરાથી ગિફટસિટી સુધી ૩ર કરોડના ખર્ચે ૬ કિ.મી. લાંબા અને ૮૦ મીટર પહોળો રોડ બનાવાયો છે. રોડની બંને સાઈડ છ હજાર વૃક્ષો વાવીને ગાઢ જંગલ ઉભું કરવાનો દાવો પણ હજુ અધ્ધરતાલ છે. આ રોડના સેન્ટ્રલ વર્જમાં કાયમી ધોરણે લેન્ડસ્ક્રેપિંગ, સાઈકલ ટ્રેક, પંચમેશ્વર જંકશન, સિગ્નેચર ગાર્ડન, વોકિંગ ટ્રેક અને કલાત્મક સાઈનેઝનો સમાવેશ કરાયો છે.
આ રોડ પર રંગીન ફૂલવાળા છોડથી માંડીને ગુલમહોર, ચંપા જેવા સંખ્યાબંધ હજારો વૃક્ષ ઉછેરવામાં આવ્યા છે. વૃક્ષો- હરીયાળીની જાળવણી માટે બનેલી તાર ફેન્સિંગ તોડી નાખવાના અનેક બનાવ બન્યાં છે. આટલું ઓછું હોય તેમ, વીજપોલના ઢાંકણા પણ અનેક સ્થળે ખુલ્લા છે અને વાયરો લટકી રહ્યાં છે.
જાળવણીના અભાવે બિસ્માર થઈ રહેલા આ રોડ પર અંધારપટના કારણે ગુનાખોરીનું જોખમ પણ વધે છે. રાત્રિના સમયે અનેક અસામાજિક તત્વો આસપાસના વિસ્તારમાં અડિંગો જમાવતા હોવાનું જગજાહેર છે ત્યારે અંધારપટની સ્થિતિ ઉભી થવાથી મોડેલ રોડ પર કોઈ હોનારત કે અકસ્માતની સંભાવના ઉભી થઈ શકે છે.