કિરાણા સ્ટોરની આડમાં ચાલતા ગેસ રિફિલિંગનો પર્દાફાશ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગેસની બોટલ માંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને સારંગપુર માંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં ગેસની બોટલમાંથી અનઅધિકૃત રીતે પરવાના વગર ગેસ રીફીલિંગ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી ડો.કુશલ ઓઝા તરફથી મળેલી સૂચનાના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર બી.એન.સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
તે દરમ્યાન સારંગપુરના પદ્માવતી નગરમાં આવેલ ધનલક્ષ્મી કિરાણા સ્ટોર નામની દુકાનમાં સરવનકુમાર આશુરામ ખટીક ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હોવાની બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા.
જ્યાંથી નાની-મોટી ગેસની ૫ બોટલ તથા ૧ ડિજિટલ વજન કાંટો તેમજ ૧ નંગ રીફિલિંગ પાઈપ મળી કુલ રૂપિયા ૮ હજારથી વધુના મુદ્દામાલ સાથે સરવનકુમાર ખટીકને ઝડપી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.