GCAના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણી ચૂંટાયા
અશોક બ્રહ્મભટ્ટ સેક્રેટરી, અનિલ પટેલ જોઇન્ટ સેક્રેટરી અને ભરત ઝવેરી ટ્રેઝરર તરીકે ચૂંટાયા
અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ની આજે મળેલી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં નવા હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી હતી. જી.સી.એ.ના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રી ધનરાજ નથવાણી ચૂંટાયા હતા, જ્યારે સેક્રેટરી તરીકે શ્રી અશોક બ્રહ્મભટ્ટ, જોઇન્ટ સેક્રેટરી તરીકે શ્રી અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે શ્રી ભરત ઝવેરી ચૂંટાયા હતા.
અમદાવાદમાં યોજવામાં આવેલી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભામાં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.)ની કમિટિ ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (સી.ઓ.એ.) દ્વારા નિમવામાં આવેલા ઇલેક્ટોરલ ઓફિસર શ્રી વરેશ સિન્હા (આઇ.એ.એસ.)ની ઉપસ્થિતિમાં જી.સી.એ.ના નવા હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારોની ચૂંટણી બિનહરીફ થઇ હતી.
જી.સી.એ.ના નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ હું જી.સી.એ.ના તમામ સભ્યોનો આભારી છું અને નમ્રતાપૂર્વક આ મોટી જવાબદારી સ્વીકારું છું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન સમા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમના નિર્માણના પ્રોજેક્ટની પૂર્ણતા અને તેને વિશ્વભરમાં ક્રિકેટ માટે સૌથી પસંદગીનું સ્ટેડિયમ બનાવવાનું કાર્ય મારા માટે અગ્રતાક્રમે રહેશે.”
શ્રી નથવાણીએ ઉમેર્યું હતું કે જી.સી.એ.ના પ્રેસિડેન્ટ તરીકે ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રી પરિમલભાઇ નથવાણી અને જોઇન્ટ સેક્રેટરી તરીકે શ્રી જય શાહની ખૂબ જ મહેનત અને લગનથી નવનિર્માણ પામી રહેલા સ્ટેડિયમનું 90 ટકા સુધીનું બાંધકામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જી.સી.એ.ની સમિતિના સૌ સાથી સભ્યોની મદદ અને સહકારથી આ કાર્ય પૂર્ણ કરવાને હું પ્રાથમિકતા આપીશ.