Western Times News

Gujarati News

અમદાવાદમાં આડેધડ ટોઇંગ અને દંડથી પ્રજા ત્રાહિમામ

File

અમદાવાદ,  ટ્રાફિકના નિયમોના ઓઠા હેઠળ ટ્રાફિક પોલીસ અને ખાસ કરીને ટોઇંગ ટીમના અધિકારીઓ દ્વારા નિર્દોષ નાગરિકોના વાહનો આડેધડ ટોઇઁગ કરી અને દંડ વસૂલવાની લૂંટથી પ્રજા ત્રાહિમામ્‌ પોકારી ગઇ છે. ટ્રાફિક પોલીસની આ નવી નિતીને કારણે લોકોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ખાસ કરીને મંદિરો અને હોસ્પિટલોની બહાર પાર્ક કરેલા વાહનો પોલીસ માત્ર પૈસા ઉઘરાવવાની બદઇરાદાથી ટોઇંગ કરી જતાં હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે.

ત્યારે આ સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી અને રાજયના ડીજીપીએ તેમના તાબાના અધિકારીઓને નિર્દોષ નાગરિકોને બિનજરૂરી હેરાનગતિ અને રંજાડગતિ બંધ કરવાનું અને આડેધડ લૂંટવાનું બંધ કરવાની સૂચનાઓ જારી કરવી જાઇએ તેવી પણ લોકલાગણી ઉઠવા પામી છે.  એક તરફ મંદિર અને શોપીંગ મોલની અંદર પાર્કિગની અપૂરતી વ્યવસ્થાને કારણે દર્શન કરવા જતાં અથવા ખરીદી કરવા જતાં લોકોને પારાવાર મુશ્કેલી નડી રહી છે.

ટ્રાફિકના નવા નિયમોની અમલવારી હજુ તા.૧૫મી ઓકટોબરથી શરૂ કરવાની રાજય સરકારે મહેતલ આપીછે.

એકબાજુ, આરટીઓ કચેરીની બહાર લાંબી લાઇનોમાં ઉભેલા નિર્દોષ નાગરિકો, તો, સિવિલ હોસ્પિટલથી શાહીબાગ સુધીના રોડ, વિવેકાનંદ ચોક, મેમનગર, વાસણાથી અંજલિ સિનેમા સુધીનો રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં નિર્દોષ નાગરિકોના વાહનો બારોબાર ટોઇંગ કરી દેવાય છે.

સિવિલ હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલોમાં કોઇ કામથી ગયા હોય અને વાહનો થોડીવાર માટે પણ બહાર દેખાય તો ટ્રાફિક પોલીસની ટોઇંગ વાન બારોબાર કંઇ વિચાર્યા વિના જ વાહનો ટોઇંગ કરી નિર્દોષ નાગરિકો પાસેથી દંડના ઓઠા હેઠળ જાણે ઉઘાડી લૂંટ ચલાવતાં હોય છે.

ટ્રાફિક પોલીસની આવી આડેધડ, મનસ્વી રીતે અને વગર વિચાર્યે વાહનો ટોઇંગ કરવાના કારણે નિર્દોષ નાગરિકોને કેટલી હાલાકી પડે છે તે વિશે પોલીસે કંઇ વિચાર્યું છે. નિયમોની અમલવારી બધે એકસરખી હોય અને તટસ્થ તેમ જ ન્યાયી રીતે થવી જાઇએ પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં એકસમાન અમલવારી થતી નથી. કેટલીક જગ્યાએ આડેધડ પાર્કીગના રીતસરના અડ્ડાઓ જાવા મળે છે પરંતુ તેમછતાં ટ્રાફિક પોલીસ ત્યાં જાવા સુધ્ધાં જતી નથી અને જયાંથી રોકડી થઇ જાય તેવા વિસ્તારોમાં નિર્દોષ નાગરિકો પાસેથી ઉઘાડેછોગ લૂંટ ચલાવી રહી છે.

પોલીસના આ વલણને લઇ હવે નાગરિકોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કેટલાક સિનિયર સીટીઝન અને જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, ખરેખર, રાજયના ડીજીપી અને ટ્રાફિક ડીસીપીએ આ સમગ્ર મામલો ગંભીરતાથી લેવો જાઇએ અને તેમના તાબાના અધિકારીઓને જરૂરી સૂચના આપી નગરજનોને બિનજરૂરી હેરાનગતિ કે રંજાડગતિ ના થાય તે માટે અને માત્ર નાણાં કમાવવાના આશયથી ઉઘાડેછોગ લૂંટ બંધ કરાવવા કડક તાકીદ કરવી જાઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.