Western Times News

Gujarati News

GCAS પોર્ટલ પર સંપૂર્ણ ફોર્મ ફિલિંગની પ્રક્રિયા આજે સવારે ૧૧.૦૦ કલાકથી શરૂ થઈ

GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા માટેનું ક્વિક રજિસ્ટ્રેશન ૨૫ માર્ચથી કાર્યરત

GCAS પોર્ટલ મારફત કોઈ ટેકનિકલ મુશ્કેલી હોય તો GCAS હેલ્પલાઈન ૭૯-૨૨૮૮૦૦૮૦ પર સંપર્ક કરી માર્ગદર્શનન મેળવી શકાશે

રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓ તથા તેમને સંલગ્ન વિવિધ કોલેજો, ભવનોની વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી વિદ્યાર્થીઓ ઘરે બેઠા સરળતાથી એક જ ઓનલાઈન અરજીથી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીલક્ષી GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૨૫.૦૩.૨૦૨૫થી શરૂ થઈ ગયેલ છે તથા સંપૂર્ણ ફોર્મ ફીલિંગની પ્રક્રિયા તા.૦૯.૦૫.૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી શરૂ થઈ હતી. 

વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવામાં સુગમતા રહે તથા સાઈબર કેફેના ધક્કા ખાઈને નાણાં અને સમયનો વ્યય ન કરવો પડે તે માટે GCAS પોર્ટલ દ્વારા પ્રવેશની કાર્યવાહી સાથે સંકળાયેલ તમામ યુનિવર્સિટી-કોલેજોને  ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટરઅને વેરિફિકેશન સેન્ટરકાર્યરત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જે મુજબ ૨૧૦૦થી વધુ સેન્ટર્સ હાલમાં કાર્યરત છે. આ સેન્ટર્સની માહિતી GCAS પોર્ટલ પર ‘List of Centres’ વિભાગમાં દર્શાવવામાં આવી છે.

વધુમાં, GCAS પોર્ટલ સાથે સંકળાયેલ તમામ યુનિવર્સિટીઓને તેમના દ્વારા કાર્યરત તથા તેમને સંલગ્ન તમામ કોલેજો દ્વારા કાર્યરત તમામ સેન્ટર્સ પર વિદ્યાર્થીઓ-વાલીઓને પૂરતી સુવિધા અને માર્ગદર્શન મળી રહે, વિદ્યાર્થીઓ-વાલીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ મળે તથા સેન્ટર્સ સુચારુરૂપે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા માટે દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા મારફત GCAS પોર્ટલ દ્વારા પ્રવેશની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓનું માર્ગદર્શન મળી રહે તે માટે GCASની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલ (gcas_official), યુટ્યુબ ચેનલ (gcas_official), X તથા લિન્કડઈન એકાઉન્ટ્સ પણ શરૂ કરવામાં આવેલ જેના પર ક્વિક રજિસ્ટ્રેશન અને સંપૂર્ણ ફોર્મ ફિલિંગની પ્રક્રિયા દર્શાવતાં વિડિયોઝ પણ મૂકવામાં આવ્યા છે.

વધુમાં, ગુજરાત બોર્ડ સાથે સંકલન કરીને ગુજરાત બોર્ડમાંથી આ વર્ષે ધોરણ-૧૨ ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ સાથે GCAS પોર્ટલ મારફત પ્રવેશની માહિતી દર્શાવતા ફલાયર્સ પણ શાળામાંથી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને GCAS પોર્ટલ મારફત કોઈ ટેકનિકલ મુશ્કેલી હોય તે તેઓ GCAS હેલ્પલાઇન +૯૧-૭૯-૨૨૮૮૦૦૮૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે. ટૂંક સમયમાં આ જ નંબર પરથી તેઓ સંબંધિત યુનિવર્સિટી સાથે સંપર્ક કરી શકે તે માટે IVRની સુવિધા પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે, એવું GCAS સેલ, કેસીજી, અમદાવાદની એક યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.