ગોધરા અને દાહોદમાં થયેલી 3 ચોરીનો ભેદ ઉકેલાયો: 9.22 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના અને ચોરીમાં વાપરવામાં આવેલી ઇકો ગાડી તથા ચોરીની બાઈક સહીત કુલ કિ.રૂ.૯,૨૨,૫૩૮ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા અને મોરવા હડફ, ગોધરા શહેર બી ડીવીઝન તથા દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન મળીને કુલ- ૩ ગુના ડીટેકટ કરવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં દિન પ્રતિદિન ચોરીને અંજામ આપનાર તસ્કરોને પકડવા માટે ગોધરા એલસીબી દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યા છે.
જેમાં ગોધરા સોનીવાડ વિસ્તારમાં કાજીવાડા ખાતે સોના ચાંદીના દાગીના ઘડવાની દુકાન અને મોરવા(હડફ) તાલુકાના ડાંગરીયા ચોકડી પાસે સોનીની દુકાનનુ તાળુ તોડી ચાંદીના દાગીનાની ચોરી તથા દાહોદ જિલ્લાના લીમડી નજીક કુણી ગામે રાત્રીના સમયે ઘર આગળ મુકી રાખેલ મોટર સાયકલનુ લોક તોડી ચોરી કરી ગયેલા બે તસ્કર ગેંગની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એલસીબી શાખાના પોલીસ ઇન્સપેક્ટર એન.એલ.દેસાઈને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. જે સુચનાના આધારે એલ.સી.બી શાખાના પીએસઆઇ આર.એન.પટેલ તથા સ્ટાફના કર્મચારીઓ વણ શોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે માહીતી મેળવી હતી કે
ભીમાભાઈ તેજાભાઈ ઉર્ફે તેજીયાભાઈ ભુરીયા રહે. સારમારીયા તા. ઝાલોદ જી. દાહોદ તથા મીનેશભાઈ કાનુભાઈ નીસરતા હાલ રહે.ભામૈયા નવી વસાહત તા. ગોધરા જી.પંચમહાલ મુળ રહે. ખરવાણી તા.ઝાલોદ જી. દાહોદ કોઈક જગ્યાએથી સોના ચાંદીના દાગીનાની ચોરી અથવા છળકપટથી મેળવી વેચાણ કરવા માટે નંબર વગરની કાળા કલરની લાલ પટ્ટાવાળી હીરો કંપનીની એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ લઈને વેચવા માટે ભામૈયા બાજુથી ગોધરા શહેરમાં આવનાર છે.
જે ચોક્કસ બાતમી આધારે એલસીબી શાખાના પીએસઆઇ આર.એન.પટેલ તથા એલ.સી. બી.સ્ટાફના માણસો સાથે ભામૈયાથી ગોધરા તરફ જવાના રસ્તા ઉપર વોચ ગોઠવીને બાતમી મુજબના બંને ઇસમોને સોના ચાંદીના દાગીના તથા મોટર સાયકલ સાથે પકડી પાડી હતી. અને પકડાયેલ મોટર સાયકલના એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે પોકેટકોપ મોબાઈલમાં સર્ચ કરી મોટર સાયકલનો રજીસ્ટ્રેશન નંબર
તથા માલીકની માહીતી મેળવી વાહન માલીકનો સંપર્ક કરતા મોટર સાયકલ ચોરી થયાની વિગત સામે આવી હતી.આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે આજથી દોઢેક મહિના પહેલા રાત્રીના સમયે પોતાની પાસેની ઈકો ગાડી લઈને ગોધરા સોનીવાડ વિસ્તારમાં સોના ચાંદીના દાગીના ઘડવાની દુકાનમાં ચોરી કરી છે.
તેમજ ત્રણેક મહીના પહેલા પકડાયેલા ચોરીની મોટર સાયકલ લઇને મોરવા(હડફ) તાલુકાના ડાંગરીયા ચોકડી પાસે સોનીની દુકાનનુ તાળુ તોડી ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તેમજ છ એક માસ અગાઉ ભીમાભાઈ તેજાભાઈ ઉર્ફે તેજીયાભાઇ ભુરીયાએ દાહોદ જિલ્લાના લીમડી નજીક કુણી ગામે રાત્રીના સમયે ઘર આગળ મુકી રાખેલ મોટર સાયકલનુ લોક તોડી ચોરી કરી હોવાની કબુલાત કરવામાં આવી હતી.