પેટા ભાડુઆતના કબજામાંથી પ્લોટને મુક્ત કરવા ગુડાએ નોટીસ આપી

મહિનાના અંત સુધીમાં સીલ કરવા સુધીના પગલાં લેવાશે
ગાંધીનગર, ગુડાનું તંત્ર છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીસ અનુભવી રહ્યું છે આ સ્થિતિ વચ્ચે આવકના નવા સ્ત્રોત ઉભા કરવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુડા દ્વારા સમયાંતરે રિઝર્વપ્લોટની હરાજી પણ કરવામાં આવી રહી છે આ ઉપરાંત પ્લોટ ભાડે પણ આપવામાં આવે છે ગુડા દ્વારા ટીપી-૬ સ્થિત ફાઈનલ પ્લોટ ૧૬૪ માર્ચ ર૦રરમાં વાટીકા હોસ્પિટાલિટીનામની સુરતની એજન્સીને ભાડે ફાળવવામાં આવ્યો હતો.
એજન્સી દ્વારા આ પ્લોટ પેટા ભાડુઆતોને આપ્યો હતો જયારે ગુડાના પ્લોટ પર એજન્સી આર્થિક લાભ મેળવતો હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું જેને અનુલક્ષી ગુડા દ્વારા ફાળવણી રદ્દ કરીને પ્લોટ પર દુકાનો ચલાવતાં પેટા ભાડુઆતોને કામચલાઉ ધોરણે ભાડુ ભરાવીને મુદત લંબાવી દેવામાં આવી હતી.
ર૯ ફેબ્રુઆરીના રોજ પેટાભાડુઆતોની પણમુદત પૂર્ણ થતી હોવાથી તંત્ર દ્વારા પ્લોટ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તંત્ર ૮ જેટલા દુકાનદારોને અગાઉ ર નોટીસ તો આપી ચુકયું છે. જયારે હવે આ મામલે આખરી નોટીસ પણ આપી દેવામાં આવી છે જયારે આગામી ર૯ ફેબ્રુઆરી સુધીમાં પેટાભાડુઆતો પાસેથી પ્લોટ ખાલી કરાવી દેવાશે
જયારે આ મામલે જરૂર પડે તો તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવશે જયારે મહિનાના અંત સુધીમાં પેટાભાડુઆતો દ્વારા પ્લોટ ખાલી કરવામાં નહીં આવે તો, સામાન સાથે સીલ કરવાની પણ તંત્રની તૈયારી છે. જયારે પ્લોટ ખાલી થયા બાદ નજીકના ભવિષ્યમાં ગુડા દ્વારા વેચાણ કરવામાં આવે તેવી પણ સંભાવના છે.
કુડાસણ વિસ્તારમાં જમીનના ભાવ પણ આસમાને હોવાથી તોતિંગ ભાવ મળવાની સંભાવના છે જેના લીધે પ્લોટની હરાજી કરાશે. જોકે હાલ તો શરતી મંજૂરીની મુદત પૂર્ણ થતાં પ્લોટ શીલ કરવા સુધીના પગલાં લેવાના મુડમાં છે.