Western Times News

Gujarati News

ખેતરમાં આધેડ ખેડૂતની લાશ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં મળતાં ચકચાર

પ્રતિકાત્મક

પાટણ, ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા કરાતાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ ચાણસ્મા પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે મૃતકના દીકરાની ફરિયાદના આધારે એક શખ્સની અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદ મુજબ ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે ઠાકોર વાસમાં રહેતા ઠાકોર કાનાજી જગાજી (ઉ.વ.પ૮) બુધવારે રાત્રે તેમના ખેતરે ઘઉંનું પીયત હતું સાથે એરંડાનો ઢગલો પડેલો હોઈ રાત્રી દરમિયાન કોઈ ચોરી ન જાય એટલે ચોકી કરવા માટે ગયા હતા. પરંતુ ગુરુવારે સવાર સુધી તેઓ ખેતરેથી ઘરે પરત ન આવતાં તેમના દીકરા રણજીતજી કાનાજી ખેતરે તપાસ કરવા ગયા હતા

તે દરમિયાન તેમણે પોતાના પિતા કાનાજી ઠાકોરને ખેતરમાં એરંડાના ઢગલા પાસેના ખાટલામાં લોહી લુહાણ હાલતમાં પડેલા જોતાં તેઓ ગભરાઈ ગયા હતા. આ બનાવની જાણ તેમણે પરિવારના સભ્યો સહિત ચાણસ્મા પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનું પંચનામું કરી પી.એમ. કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આધેડ ખેડૂતની હત્યા કેસની તપાસ કરતા ચાણસ્મા પોલીસ અધિકારીએ ઘટના અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું ગંગેટ ગામે ઠાકોરકાનાજી જગાજી તેમના ખેતરમાં ઘાતક હથિયારના ઘા ગળાના ભાગે મારી હત્યા થઈ હતી. આ મામલે મૃતકના દીકરાએ જણાવ્યું હતું કે આજથી એક વર્ષ અગાઉ ગામના ઠાકોર ભરતજી વેસતાજીએ તેઓના રાયડાનો તૈયાર મોલ સળગાવ્યો હતો.

જેની અદાવત રાખીને બે દિવસ પહેલાં ભરતજીએ મૃતકના દીકરાને તારા ઘરના એક વ્યક્તિને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે ધમકી અનુસંધાનમાં ઠાકોર ભરતજી વેસતાજીએ તેના પિતાની હત્યા કરી હોવાની શંકા વ્યકત કરી ફરિયાદ દાખલ કરતાં પોલીસે ઠાકોર ભરતજી વસતાજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.