ગુજરાતની લોકસભા ચૂંટણીઃ BJPના ૫ સાંસદોના પત્તા કપાયા
ગુજરાતની લોકસભાની ૧૫ બેઠકોના નામો જાહેરઃ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડશેઃ ગુજરાતની ૧૧ બેઠકોના નામોની જાહેરાત હજુ બાકી
ગાંધીનગર, ભાજપે૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં ભાજપે ગુજરાતની ૧૫ બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્ય પ્રમુખ સીઆર પાટીલના નામ સામેલ છે. ગુજરાત લોકસભાની હજુ ૧૧ બેઠકોના નામો જાહેર થવાનાં બાકી છે. ત્યારે હવે સૌ કોઈની નજર તેના પર મંડાયેલી છે.
આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે ત્યારે આ તમામ નામો નક્કી કરી તેની જાહેરાત કરવામાં આવશે. બાકીની બેઠકોમાંથી પણ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારો બદલાવવાની સંપૂર્ણ શક્યતા છે. જામનગરમાંથી પૂનમ માડમને ફરી એકવાર ટીકીટ આપવામાં આવી છે. જ્યારે ભરૂચની બેઠક ઉપરથી સતત ચૂંટણી લડતા મનસુખ વસાવાની પુનઃ પસંદગી કરવામાં આવી છે.
નામો જાહેર થતાં જ તમામ ઉમેદવારોને તેમના ટેકેદારો શુભેચ્છા આપવા પહોંચી ગયા હતા. અને ચૂંટણી પ્રચારની રણનીતિ પણ ઘડવાની શરૂઆત કરી દીધી છે. આ વખતે ડો.મનસુખ માંડવિયાને પોરબંદરની બેઠક ઉપરથી ટિકિટ અપાઈ છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલાથી રાજકોટની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ બંને નામોની જાહેરાતથી રાજકીય પંડિતો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. અગાઉ રાજકોટની બેઠક ઉપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ચર્ચામાં હતું. જોકે, મનસુખ માંડવિયાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે. તેવું અગાઉથી જ નક્કી હતું.
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોનું પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાતમાંથી ૧૫ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. મનસુખ માંડવિયા પોરબંદરથી ચૂંટણી લડશે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે, જે અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે. રાજકોટમાંથી પુરુષોત્તમ રૂપાલા, જામનગરમાંથી પૂનમ બેન માડમ, આણંદમાંથી મિતેશભાઈ પટેલ અને ખેડામાંથી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં લોકસભાની કુલ ૨૬ બેઠકો છે. પ્રથમ લિસ્ટમાં ૧૫ લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા, પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, જામનગર બેઠક પરથી પૂનમ માડમ, આણંદ બેઠક પરથી મિતેશ પટેલ, ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ, ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવા, બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવા અને નવસારી બેઠક પરથી સી.આર પાટીલને સતત બીજી વખત ટિકિટ મળી છે.
ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પરથી ડો.રેખા હિતેશભાઈ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા, પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયા અને પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવને ટિકિટ મળી છે. જ્યારે આ લોકોનું પત્તું કટ થયું છે તેવું કહી શકાય,
આ લિસ્ટમાં બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી, રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા, પોરબંદર બેઠક પરથી રમેશ ધડુક અને પંચમહાલ બેઠક પરથી રતનસિંહ રાઠોડને ટિકિટ મળી નથી. આગામી લિસ્ટમાં તેમને ટિકિટ મળી શકે છે.
ભાજપે આજે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. લિસ્ટમાં ઘણી વીવીઆઈપી બેઠકો માટે પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી જીત્યા હતા. જ્યારે પીએમ મોદીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં વારાણસી સીટ જીતી હતી.
અમિત શાહ ૧૯૮૭માં ભાજપમાં જોડાયા હતા. ૧૯૮૭માં તેમને ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય બનાવવામાં આવ્યા. અમિત શાહને પહેલી મોટી રાજકીય તક ૧૯૯૧માં મળી, જ્યારે તેમને ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર હાથ ધર્યો. બીજી તક ૧૯૯૬માં આવી, જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
આ ચૂંટણીમાં પણ તેમને ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી. અમિત શાહે ૧૯૯૭માં ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી જીતીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૯ માં, તેઓ અમદાવાદ જિલ્લા સહકારી બેંક (છડ્ઢઝ્રમ્) ના પ્રમુખ તરીકે ચૂંટાયા. ૨૦૦૯માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ બન્યા. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં પ્રમુખ પદ છોડ્યા બાદ તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા.
૨૦૦૩ થી ૨૦૧૦ સુધી, તેમને ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. ૨૦૧૨ માં નારણુપરા વિધાનસભા મતવિસ્તારમાંથી તેમની વિધાનસભાની ચૂંટણી લડતા પહેલા તેમને ત્રણ વખત સરખેજ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અનુક્રમે ૧૯૯૭ (પેટાચૂંટણી), ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭માં ચાર વખત ગુજરાતના સરખેજ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
સોળમી લોકસભા ચૂંટણીના લગભગ ૧૦ મહિના પહેલા, અમિત શાહને ૧૨ જૂન ૨૦૧૩ના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યમાં ભાજપ પાસે માત્ર ૧૦ લોકસભા બેઠકો હતી. ૧૬મી મે ૨૦૧૪ના રોજ સોળમી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમની સંગઠનાત્મક કુશળતા અને નેતૃત્વ ક્ષમતા સ્પષ્ટ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપે ૭૧ બેઠકો જીતી હતી.
રાજ્યમાં ભાજપની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ પ્રભાવશાળી જીતના શિલ્પકાર અમિત શાહનું કદ પાર્ટીની અંદર એટલું વધી ગયું કે તેમને ભારતીય જનતા પાર્ટીનું અધ્યક્ષ પદ આપવામાં આવ્યું. ૧૯૮૯ અને ૨૦૧૪ ની વચ્ચે અમિત શાહે ગુજરાત રાજ્ય વિધાનસભા અને વિવિધ સ્થાનિક સંસ્થાઓ માટે ૪૨ મોટી અને નાની ચૂંટણીઓ લડી હતી, પરંતુ તેઓ એક પણ ચૂંટણીમાં હાર્યા ન હતા.