Western Times News

Gujarati News

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ૮૨ ટકા હિસ્સા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

પ્રતિકાત્મક

સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ૮૨ ટકા  હિસ્સા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

બિપોરજોય વાવાઝોડામાં વીજ કર્મચારીઓની ઉત્તમ કામગીરીના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં વીજ પુરવઠો પૂર્વવત થયો

કચ્છ અને બનાસકાંઠામાં ૧૦,૮૩૯ વીજ ગ્રાહકોને રૂ. ૬,૩૮૬ લાખની સબસિડી અપાઈ

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના મંત્ર થકી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા હતાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રહેણાંક વિસ્તારમાં સોલાર રુફટોપ સ્થાપિત કરવામાં ૮૨ ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી ઑગસ્ટ ૨૦૧૯થી ‘સૂર્ય-ગુજરાત યોજના’ કાર્યરત છે. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર ૧ કિલોવૉટથી મહત્તમ ૧૦ કિલોવૉટની મર્યાદામાં સોલાર રૂફટોપ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ૩,૫૫૯ વીજ ગ્રાહકોને રૂ. ૧,૯૧૫ લાખની સબસિડી આપવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં આવેલા બિપોરજોય વાવાઝોડામાં વીજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

વીજ કર્મચારીઓની ઉત્તમ કામગીરીના કારણે ખૂબ જ ટૂંકા સમયગાળામાં વીજ પુરવઠો પૂર્વવત કરી વીજ કર્મચારીઓએ કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કચ્છ જિલ્લામાં ૭,૨૮૦ વીજ ગ્રાહકોને રૂ. ૩,૩૭૧ લાખની સબસિડી આપવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.