Western Times News

Gujarati News

બે વર્ષમાં ૮૦૮ રાષ્ટ્રીય અને ૧૦૪ આંતરરાષ્ટ્રીય મેડલ સાથે ગુજરાત નવી ઊંચાઈએ પહોંચ્યું

બે વર્ષમાં ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિ હાંસિલ કર્યાનો વિધાનસભામાં હર્ષ સંઘવીએ દાવો કર્યો

  • ગુજરાત બની રહ્યો છે સ્પોર્ટ્સ હબ, ઓલિમ્પિકની તૈયારી માટે સરકાર પ્રતિબદ્ધ: હર્ષ સંઘવી

  • ગુજરાતી ખેલાડીઓની ગોલ્ડન પ્રગતિ: બે વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભવિષ્ય ઉજ્જવળ

  • ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ – બે વર્ષમાં ગુજરાતે રમતગમતમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી: હર્ષ સંઘવી

ગાંધીનગર, ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનો એક સ્પો‹ટગ હબ તરીકે વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, યુવાનો એ દેશનું ભવિષ્ય છે. ગુજરાતનાં યુવાનોમાં રમત પ્રત્યે જાગૃતિ આવે, રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય, યુવાનો ઓજસ્વી, તેજસ્વી અને બળવાન બને તે માટે રાજ્ય સરકાર સદાય પ્રતિબદ્ધ છે.

‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્રને પગલે છેલ્લા બે વર્ષમાં ગુજરાત રાજ્યે રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરીને અનેક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં રમતગમત માટે ગત વર્ષની સરખામણીમાં રૂ.૨૫૦ કરોડ એટલે કે ૪૧ ટકા વધારે બજેટ ફાળવવા બદલ હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ‘સ્પોર્ટ્‌સ એ જ પ્રોફેશન’નો કોન્સેપ્ટ વિકસી રહ્યો છે. ગુજરાતના યુવાનો તંદુરસ્ત અને મનદુરસ્ત બને તે માટે રાજ્ય સરકાર સદૈવ પ્રયાસરત છે. એક સમયે એવું કહેવાતું હતું કે ગુજરાતીઓને રમતમાં શું ખબર પડે. પરંતુ આપણે સૌ સતત પરિશ્રમ કરતા રહ્યા અને પરિણામ સૌની સામે છે. પહેલા રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવ્યાના આંકડા માત્ર સિંગલ ડીજીટમાં હતા.

છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં રાજ્યના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં ૨૨૫ ગોલ્ડ, ૨૪૪ સિલ્વર અને ૩૩૯ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૮૦૮ મેડલ મેળવ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૨૬ ગોલ્ડ, ૪૦ સિલ્વર અને ૩૮ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૦૪ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

મંત્રીએ ડાંગ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની ખેડૂત પુત્રી ઓપીના ભીલારની સિધ્ધિ ને ટાંકીને કહ્યું કે, સુબીર તાલુકાના બીલીઆંબા ગામની વતની ઓપીના ભીલારની રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન પ્રક્રિયા થકી જીલ્લા કક્ષાની સ્પોર્ટ્‌સ સ્કુલમાં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ખો ખો રમતમાં આજે પણ તે તાપી ખાતે ખો ખો રમતની તાલીમ લઈ રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી ખો ખો રમતમાં આ ખેલાડીએ ૧૪ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને તેમાં તેણે કુલ ૦૫ રાષ્ટ્રીય કક્ષાના મેડલ મેળવ્યા છે. સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારની દીકરી તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી પામી અને તમામ મેચોમાં રમીને ભારતને ગોલ્ડ મેડલ અપાવીને રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.