દાહોદ શહેરમાં પતંગ બજારમાં ઘરાકી નીકળી
(પ્રતિનિધિ) દાહોદ. ઉતરાયણ પર્વને આડે માત્ર આજનો દિવસ રહ્યો છે અને આવતીકાલ શનિવારે ઉતરાયણ પર્વ હોય દાહોદના પતંગ રસિયાઓમાં પતંગનું આકાશી યુદ્ધ ખેલવા માટે ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. પતંગ રસિયાઓ દોરી પાવામાં મસ્ત બન્યા છે. ત્યારે પતંગ અને દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૨૦ થી ૨૫ ટકા જેટલો વધારો થતાં તે ભાવ વધારાની સીધી અસર હાલ પતંગ બજારની ઘરાકી પર જાેવા મળી રહી છે.
આ વર્ષે પતંગ ના વેપારીઓ છેલ્લે દિવસે ઘરાકી ખુલવાની આશા રાખી રહ્યા છે. દાહોદ શહેરમાં પતંગનો વેપાર કરિયાણાની દુકાનથી માંડી ટેલરની દુકાન માં પણ થતો જાેવા મળી રહ્યો છે આ વખતે પતંગ બજારમાં કાર્ટૂન વાળી છોટાભીમ તેમજ યોગી, મોદીના ફોટાવાળી પતંગોનો પતંગ બજારમાં ભારે ક્રેઝ જાેવા મળી રહ્યો છે. પતંગના વેપારીઓ પોતાની દુકાનમાં અવનવી ડિઝાઈનવાળા તથા ચિત્રોવાળા પતંગથી પોતાની દુકાનો સજાવી ગ્રાહકને આકર્ષવાના પ્રયાસો કરતા જાેવા મળી રહ્યા છે.
પતંગના તથા દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૨૦ થી ૨૫ % જેટલો વધારો જાેવા મળતા તે ભાવ વધારાની સીધી અસર પતંગ ના વેચાણ પર વર્તાતી જાેવા મળી રહી છે પતંગની દોરી પાવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદમાં બહારના ઉસ્તાદો છેલ્લા ૧૫ દિવસથી ધામા નાખી પોતાનો વેપલો રળવામાં વ્યસ્ત બન્યા છે.