Western Times News

Gujarati News

બોન્ડ સમયસર નથી ભરી શક્યા તેવા ડૉકટરો સામે સરકાર યોગ્ય કાર્યવાહી કરશે

છેલ્લા ત્રણ વર્ષમાં MBBS ડૉક્ટર્સ પાસેથી બોન્ડ પેટે કુલ રૂ. ૧૩૯ કરોડ વસૂલ કરાયા-આગામી વર્ષ સુધીમાં નવી નિમણૂક કરી રાજ્યમાં તબીબી અધિકારી વર્ગ-૨ની તમામ જગ્યાઓ ભરવામાં આવશે

ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે રાજ્યના ડૉક્ટર્સ પાસેથી બોન્ડની રકમ વસૂલવા અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી કોલેજોમાંથી એમ.બી.બી.એસ. પાસ કર્યા હોય તેવા ડૉક્ટરોને નિમણૂંક આપ્યા બાદ

તેઓ ફરજ પર હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવાની કામગીરી વિવિધ સ્તરે યુધ્ધના ધોરણે પ્રગતિમાં છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં આવા ડોક્ટરો પાસેથી કુલ રૂ. ૧૩૯ કરોડ જેટલી માતબર રકમની વસૂલાત કરવામાં આવી છે.

મંત્રી શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં જે ડોકટરો સેવા અથવા બોન્ડ સમયસર ભરી શકતા નથી તેમને રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. આ ઉપરાંત તેમની યોગ્ય કાયદાકીય પગલાં લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિવિધ જિલ્લાઓમાં તબીબી અધિકારી વર્ગ-૨ની જગ્યાઓ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળી મંજૂર ૨૫૬ જગ્યાઓ સામે ૧૮૯, અમદાવાદ જિલ્લામાં મંજૂર ૨૪૩ જગ્યાઓ સામે ૨૩૩,

મહેસાણા જિલ્લામાં મંજૂર ૧૪૨ જગ્યાઓ સામે ૧૩૦ અને ગાંધીનગર જિલ્લામાં મંજૂર ૯૬ જગ્યા સામે ૮૮ જગ્યાઓ ભરવામાં આવેલી છે. આગામી વર્ષ સુધીમાં નવી નિમણુંક કરી રાજ્યની તમામ તબીબી અધિકારી વર્ગ-૨ની જગ્યાઓ ભરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.