Western Times News

Gujarati News

શેરડી કાપણી માટે લઘુત્તમ વેતન દરમાં સરેરાશ ૧૦૦ ટકાનો વધારો: ૩ લાખથી વધુ લોકોને ફાયદો થશે

પ્રતિકાત્મક

શ્રમિકોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ : શ્રમ રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫ ટકા જેટલો માતબર વધારો કરાયો: પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે ૨ કરોડથી વધુ લોકોને ફાયદો થશે

શ્રમિકોનું સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા રાજ્ય સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે તેમ જણાવતા મંત્રી શ્રી રાજપૂતે ઉમેર્યું કે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪થી લઘુત્તમ વેતનના પ્રવર્તમાન દરની સમીક્ષા કરી છે. ઉપરાંત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડ સાથે વિચાર વિમર્શ કરીને લઘુત્તમ વેતનના દર સુધારવાનું નક્કી કર્યું છે.

લઘુત્તમ વેતન ધારા હેઠળની અનૂસુચિ પૈકીના ૪૬ વ્યવસાયો સંદર્ભે જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધા–સૂચન મંગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે વિવિધ વાંધાસૂચનો મળ્યા હતા.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયમાં શ્રમિકોના લઘુત્તમ વેતન અંગે રાજય સરકારને સલાહ આપવા માટે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડની ભલામણો ઉપર પુખ્ત વિચારણા કરીને  સુધારો કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ હાલની પરિસ્થિતિ જણાવતા કહ્યું કે, લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જુદા જુદા ૪૬ વ્યવસાયના લઘુત્તમ વેતનદરોમાં હાલ કુશળ શ્રમિકને કાર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન રૂા.૯,૮૮૭.૮૦/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.૧૨,૩૨૪/- મળશે. આમ થવાથી શ્રમિકના માસિક વેતનમાં રૂા. ૨,૪૩૬.૨૦ નો વધારો એટલે કે ૨૪.૬૩ ટકાનો વધારો થશે.

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું કે,  અર્ધ કુશળ શ્રમિકને માસિક વેતન રૂ. ૯,૬૫૩.૮૦/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ. ૧૧,૯૮૬/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૩૨.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૧૫ ટકાનો વધારો થાય છે.  તે જ રીતે બીન કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.૯,૪૪૫.૮૦/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ. ૧૧,૭૫૨/- મળશે એટલે કે રૂ. ૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે.

મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું કે, કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૬૫૩.૮૦/- મળે છે તેના સ્થાને માસિક વેતન રૂ.૧૨,૦૧૨/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૫૮.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૨ ટકાનો વધારો થાય છે.

તે જ રીતે અર્ધ કુશળ શ્રમિકને રૂ.૯,૪૪૫.૮૦/- ના સ્થાને માસિક વેતન રૂ.૧૧,૭૫૨/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે.  તથા બિન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૨૩૭.૮૦/- મળે છે. તેના સ્થાને રૂ.૧૧,૪૬૬/- મળશે. એટલે કે રૂ.૨,૨૨૮.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૧૨ ટકાનો વધારો થાય છે.

મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫  ટકા જેટલો માતબર વધારો કરાયો છે તેના પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે ૨ કરોડથી વધુ લોકોને ફાયદો થશે.

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું કે, લઘુત્તમ વેતન ધારા હેઠળ શેરડી કાપણી-ભરણીના વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકો માટે લઘુત્તમ વેતનદરમાં વધારો કરવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધા સૂચન મંગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રવર્તમાન દર રૂા.૨૩૮/- પ્રતિ ટન છે.

આ જાહેરનામાના અનુસંધાને ખાંડ ઉદ્યોગ તેમજ સહકારી મંડળીઓ દ્વારા ૫(પાંચ) વાંધાસૂચનો મળ્યા હતા તેમજ શ્રમિક મંડળો તરફથી એક વાંધાસૂચન મળ્યું હતું. આ વાંધાસુચનો ઉપર ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની ભલામણો મેળવવામાં આવી હતી.

આ ભલામણો પર પુખ્ત વિચારણાના અંતે વેતનના દરોમાં ૧૦૦ ટકાનો વધારો કરી રૂ.૪૭૬ પ્રતિ ટન કરવામાં આવ્યો છે જેનાથી અંદાજે ૩ લાખથી વધુ લોકોને ફાયદો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.