Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલ ખાતે ‘આત્મ બોધ ચિંતન શિબિર’નું આયોજન: “વાણીમાં મીઠાસ, સેવામાં માનવતા” પુસ્તિકાનું વિમોચન કરાશે

આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને શહેરી વિકાસ મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં નર્સિંગ વ્યવસાયિકો માટે સંવાદ કૌશલ્ય પર વિશેષ સત્રો યોજાશે

અમદાવાદ, આરોગ્ય ક્ષેત્રે દર્દીઓની સેવા અને સંભાળમાં નર્સિંગ સ્ટાફની ભૂમિકા સર્વોપરી છે. દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ સહકર્મચારીઓ સાથે યોગ્ય ભાષા, યોગ્ય શબ્દો અને યોગ્ય વર્તન દ્વારા વિશ્વાસપૂર્ણ સંબંધ સ્થાપિત કરી શકાય તેવા ઉમદા હેતુથી ૦૩ જૂનના રોજ બપોરે ૨:૩૦ કલાકે અસ્મિતા ભવન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એક વિશેષ આત્મ બોધ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

“વાણીમાં મીઠાસ – સેવામાં માનવતા” ના મુખ્ય સૂત્ર સાથે યોજાનારા આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને શહેરી વિકાસ મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા તથા રાજ્યના આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે. 

આ શિબિર દરમિયાન નર્સિંગ વ્યાવસાયિકો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી “વાણીમાં મીઠાસ, સેવામાં માનવતા” વિષય પર આધારિત વિશેષ પુસ્તિકા (બુકલેટ) તેમજ સોવેનીયર (TNAI, ગુજરાત બ્રાંચ)નું વિમોચન કરવામાં આવશે.

આ પુસ્તિકા આરોગ્ય વ્યવસાયિકોમાં અસરકારક સંવાદ કૌશલ્યના મહત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓમાં કાર્યરત વ્યાવસાયિકો માટે અસરકારક અને સંવેદનશીલ સંવાદ ખૂબ જ અગત્યનો હોવાથી, આ પુસ્તિકા નર્સિંગ અને અન્ય આરોગ્ય વ્યવસાયિકોને વધુ અસરકારક, સંવેદનશીલ અને દર્દીકેન્દ્રિત સંવાદ સ્થાપિત કરવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. 

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સામાજિક કાર્યકર્તા શ્રી દિલીપભાઈ દેશમુખ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી આઈ. એ. કડીવાલા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞા ડાભી, અમદાવાદના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ આનંદીબેન ચૌધરી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ અંતર્ગત નર્સિંગ સ્ટાફના કૌશલ્ય વર્ધન માટે ત્રણ અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર શૈક્ષણિક સત્રો યોજાશે. જેમાં ‘દર્દી સાથે અસરકારક સંવાદ કૌશલ્ય’ વિષય પર ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રાર ડો. પ્રજ્ઞા ડાભી, ‘મૌખિક અને અમૌખિક સંવાદ’ (Verbal & Non-Verbal Communication) ના વિષય પર જીનરેરા અમદાવાદના પ્રિન્સીપાલ ડૉ. હિરલ શાહ, ‘ICU અને ઇમરજન્સી વિભાગમાં સંવાદ કૌશલ્ય’ જેવા કટોકટીના સમયના વિષય પર સિવિલ હોસ્પિટલ અમદાવાદના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રોમાંચ ઉપાધ્યાય માર્ગદર્શન પૂરું પાડશે. આ ચિંતન શિબિર સિવિલ હોસ્પિટલમાં આવતા હજારો દર્દીઓની માનવીય અભિગમ સાથે સારવાર કરવામાં એક નવો સીમાચિહ્ન સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.