Western Times News

Gujarati News

કેદીઓના વર્તનમાં આવતા ચેતવણીના સંકેતોને ઓળખવા જેલ કર્મચારીઓને તાલીમ અપાઈ

મદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે જેલ કર્મચારીઓ માટે ‘પ્રહરી’ તાલીમ કાર્યક્રમનું આયોજન-રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ગુજરાત જેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે જેલકર્મીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા વિષય પર વિશેષ સત્ર

અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે જેલ અને સુધારાત્મક વહીવટી કર્મચારીઓ માટે એક સપ્તાહના વિશેષ તાલીમ કાર્યક્રમ સાયકોલોજિકલ રિસ્ક એસેસમેન્ટ, હેલ્થ અવેરનેસ એન્ડ રેઝિલિયન્સ‘(PRAHARI – પ્રહરી)નો ૨૯ મેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી ગૌરવ અગ્રવાલ(IPS) દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી ગૌરવ અગ્રવાલે ઉપસ્થિત સહભાગીઓને સંબોધિત કરતા જેલ કર્મચારીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગેની સાક્ષરતાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જેલ જેવા સંવેદનશીલ વાતાવરણમાં માનસિક સ્વાસ્થ્યના જોખમોને વહેલી તકે ઓળખવા ખૂબ જ જરૂરી છે. તેમણે જેલના વાતાવરણને વધુ સુરક્ષિત અને માનવતાવાદી બનાવવા માટે સામૂહિક પ્રયાસોના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

આ વિશેષ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), લવાડ, ગાંધીનગરના સ્કૂલ ઓફ બિહેવિયરલ સાયન્સિસ એન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સઅંતર્ગત કાર્યરત ગ્લોબલ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન સ્ટડીઝ‘ (GCAS) અને ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ સમગ્ર પહેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલના નેતૃત્વ હેઠળ અને સ્કૂલ ઓફ બિહેવિયરલ સાયન્સિસના ડાયરેક્ટર ડૉ. નૂરીન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે.

૨૯ મે થી ૫ જૂન ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ એક સપ્તાહના તાલીમ કાર્યક્રમમાં જેલ વિભાગના ૪૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. આ તાલીમ દરમિયાન તેઓને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ, મનોવૈજ્ઞાનિક જોખમોનું મૂલ્યાંકન, ક્રાઇસીસ કોમ્યુનિકેશન, વર્તણૂકના જોખમોની ઓળખ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મનોબળ મજબૂત રાખવાની વિવિધ વ્યૂહરચનાઓ અંગે સઘન તાલીમ આપવામાં આવશે.

ઉદ્ઘાટન સત્રનું સંચાલન ગ્લોબલ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન સ્ટડીઝના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. ગીતેશ કુમાર સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ‘પ્રહરી’ (PRAHARI) પહેલના ઉદ્દેશ્યોની રૂપરેખા આપતાં જણાવ્યું કે જેલ કર્મચારીઓ ઘણીવાર પ્રથમ પ્રતિભાવ આપનાર (First Responders) તરીકે કામ કરે છે. તેઓ જેલના કેદીઓમાં માનસિક તણાવ, આત્મહત્યાની પ્રવૃત્તિ, નશાની લત અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સંબંધી લક્ષણોને વહેલા ઓળખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આયોજકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમનો હેતુ જેલ કર્મચારીઓને વ્યવહારુ કૌશલ્યોથી સજ્જ કરવાનો છે, જેથી તેઓ કેદીઓના વર્તનમાં આવતા બદલાવો અને ચેતવણીના સંકેતોને ઓળખી શકે, કટોકટીના સમયે અસરકારક પગલાં લઈ શકે અને જરૂર પડે ત્યારે સમયસર વ્યાવસાયિક તબીબી મદદ અપાવી શકે. આ ઉપરાંત, આ તાલીમમાં જેલ કર્મચારીઓના પોતાના માનસિક સ્વાસ્થ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં કામના ભારણને લીધે થતો તણાવ ઘટાડવા અને માનસિક મનોબળ વધારવાના સત્રોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.