દમણમાં ૫ જૂને PM મોદીના હસ્તે દમણ સિવિલ એરપોર્ટ અને મરવડ સરકારી હોસ્પિટલનું લોકાર્પણ
દમણ, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દમણ આગમન અને દમણ સિવિલ એરપોર્ટ તથા મરવડ સરકારી હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષીને દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ શ્રીમતી દીપિકા બહેનના અધ્યક્ષસ્થાને મહિલા ભવન, વોર્ડ નં. ૬ ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કાઉન્સિલર શ્રી અસ્પી દમણિયા, શ્રીમતી સિપ્લે બહેન, શ્રીમતી તમન્ના બહેન, શ્રીમતી પ્રમિલા રાણા, શ્રીમતી નીલા રાણા, શ્રીમતી રશ્મિ હલપતિ, શ્રીમતી કપિલા ઓડ, શ્રીમતી ફિરદોસ બાનુ, શ્રી કલ્પેશ સીતારામ તથા મહિલા પ્રમુખ શ્રીમતી વર્ષિકા બહેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં કાર્યક્રમની વિવિધ તૈયારીઓ, જાહેર સુરક્ષા, માર્ગ વ્યવસ્થા તેમજ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેર સભાની વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી તા. ૫ જૂનના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે દમણ ખાતે આગમન કરી અંદાજે ₹૯૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા દમણ સિવિલ એરપોર્ટનું લોકાર્પણ કરશે.
આ એરપોર્ટના કાર્યરત થવાથી દમણ તથા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને નવી ગતિ મળશે તેમજ પ્રવાસન ક્ષેત્રને પણ મોટો પ્રોત્સાહન મળશે.આ ઉપરાંત વડાપ્રધાનશ્રી મરવડ ખાતે નિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે.
આ હોસ્પિટલ દ્વારા સ્થાનિક નાગરિકોને આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ શ્રીમતી દીપિકા બહેને દમણના નાગરિકો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓને આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે.
