Western Times News

Gujarati News

ગુજરાતના આ જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો થયા પરેશાન

File

(એજન્સી)વલસાડ, ફરી એકવાર માવઠાના મારથી ખેડૂત થયો છે બેહાલ. એક તરફ હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યાં બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારમાં ચોમાસા જેવો ઘાટ ઘડાયો છે.

રાજ્યના કેટલાંક વિસ્તારમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. માવઠાનો માર જગતના તાત માટે પડતા પર પાટુ સમાન છે. ચોમાસામાં થયેલી પાક નુકસાનીથી બેઠા થઈ રહેલાં ખેડૂતોની હાલત ફરી કફોડી બનશે. ઉનાળામાં સૌથી મોટી સિઝન હોય છે ફળોના રાજા કહેવાતા કેરીની. ઉનાળાની શરૂઆતથી જ કેરીઓ આવવાની શરૂ થઈ જાય છે.

એવામાં કમોસમી વરસાદ કેરીનો પાક ખરાબ કરી શકે છે. કારણકે, હજુ તો કેરીઓ ઝાડ પર હોય છે. આ સિઝનમાં વરસાદની અપેક્ષ ક્યારેય હોતી નથી. આવા અણધાર્યા અને અનઅપેક્ષિત વરસાદને કારણે કેરીનો પાક સાવ ખરાબ થઈ જાય છે. જેથી ખેડૂતોને પણ પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે. ખાસ કરીને આજે ગુજરાત વલસાડ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

સેલવાસના છેવાડાના વિસ્તારોમાં માવઠું થયું હતું. કિલવની, ઉમરકુઈ, સીલી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદથી કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ રાજ્યના તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ નોંધાયો હતો.

સોનગઢ શહેર અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘૂટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણને લઈને ધરતી પુત્રોમાં ચિંતા ફેલાઇ હતી. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે આઠ વાગે છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.