UKમાં સ્કૂલે જતી બાળકીને ટક્કર મારનારાં ભારતીય ડોક્ટરે વળતર ચૂકવવું પડશે

અમદાવાદ, UKમાં ૧૨ વર્ષની એક બાળકીને અડફેટે લેવા બદલ ભારતીય ડોક્ટરને ૧.૩૫ લાખ પાઉન્ડ એટલે કે ૧.૪૧ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. કન્સલ્ટન્ટ ફિઝિશિયન એવા ડૉ. શાંતિ ચંદ્રને સ્કૂલે જઈ રહેલી એક બાળકીને જાન્યુઆરી ૨૦૧૮માં વહેલી સવારે ટક્કર મારી હતી.
આ ઘટના લંડનથી ૬૦ માઈલ દૂર આવેલા બિસ્ટર શહેરમાં બની હતી, જેમાં ડૉ. શાંતિ ચંદ્રનની BMW i3 રેન્જ એક્સટેન્ડર કારની અડફેટે આવી ગયેલી બાળકીનું માથું કારની વિન્ડસ્ક્રીન સાથે અથડાયું હતું અને ત્યારબાદ બાળકી ઉછળીને લગભગ ૧૧ મીટર દૂર પડી હતી.
આ ટક્કરને કારણે બાળકીને માથામાં ગંભીર ઈજા થવા ઉપરાંત તેનું કોલર બોન પણ ફ્રેક્ચર થઈ ગયું હતું. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતમાં ઘવાયેલી બાળકીને ત્રણ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, અને તેને હોસ્પિટલમાં ૧૦ દિવસ એડમિટ રહેવું પડ્યું હતું.
આ અકસ્માત થયો ત્યારે મતલબ કે સવારે ૭.૨૦ કલાકે ડૉ. શાંતિ ચંદ્રન હોસ્પિટલ જઈ રહ્યા હતાં. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર, ડૉ. શાંતિની કારે બાળકીને અડફેટે લીધી ત્યારે કાર ૪૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી તેમજ તે વખતે વરસાદી માહોલ હતો અને રસ્તા પર અંધારૂં હતું.
જોકે, આ અકસ્માત પેડેસ્ટેરિયન ક્રોસિંગ પર થયો હતો, અને તે વખતે ટ્રાફિક સિગ્નલ ગ્રીન હતું.. પરંતુ કોર્ટે તમામ તથ્યો અને પુરાવાના આધારે ડૉ. શાંતિની કારની સ્પીડ વધારે હોવાનું માનતા આ અકસ્માત માટે તેમને ૬૦ ટકા જવાબદાર ઠેરવ્યા હતા. મહત્વની વાત એ છે કે જે વિસ્તારમાં આ અકસ્માત થયો ત્યાં સ્પીડ લિમિટ ૩૦ માઈલ પ્રતિ કલાકની છે, અને ડૉ. શાંતિની કારની સ્પીડ ૨૮ માઈલ પ્રતિ કલાક હતી.
જોકે, કોર્ટે પોતાના ફેસલામાં એવું જણાવ્યું હતું કે સમય અને સ્થિતિ અનુસાર અકસ્માત કરનારી કારની સ્પીડ ઘણી વધુ હતી. અકસ્માતગ્રસ્ત બાળકીની માતાએ ડૉ. શાંતિ પાસેથી વળતર મેળવવા માટે તેમના પર કેસ કર્યો હતો.
જોકે, આ મામલામાં પોલીસે ડૉ. શાંતિ સામે કોઈ ગુનો નહોતો નોંધ્યો. આ અકસ્માતમાં ૬૦ ટકા વાંક ડૉ. શાંતિનો હોવાનું કોર્ટે ઠેરવતા તેમને અકસ્માતનો ભોગ બનેલી બાળકીને ૧.૩૫ લાખ પાઉન્ડનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં બાળકીની માતાએ સવા બે લાખ પાઉન્ડના વળતરની માગ કરી હતી, પરંતુ અકસ્માતમાં ૪૦ ટકા વાંક બાળકીનો હોવાનું જણાવતા કોર્ટે વળતરની રકમ ઘટાડીને ૧.૩૫ લાખ પાઉન્ડ નિર્ધારિત કરી હતી.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર અકસ્માત બાદ પણ બાળકીને લાંબો સમય સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ લેવી પડી હતી. તો બીજી તરફ, અકસ્માત બાદ ડૉ. શાંતિ ચંદ્રાએ પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે તે આગળ જોઈને જ કાર ચલાવી રહ્યા હતા, પરંતુ સિગ્નલ ક્રોસ કરતી વખતે અચાનક તેમને કાર સાથે કંઈક અથડાયું હોવાનો અહેસાસ થયો હતો.
ત્યારબાદ તેમણે તુરંત જ કાર ઉભી રાખી હતી, અને તેની ટક્કરથી રસ્તા પર પડેલી બાળકી પાસે તે દોડી ગયા હતા.
આ અકસ્માતનો ભોગ બનનારી બાળકી હાલ ૧૮ વર્ષની થઈ ચૂકી છે, તેણે કોર્ટને એમ જણાવ્યું હતું કે આ અકસ્માત ડૉ. શાંતિ ચંદ્રનની બેદરકારીને કારણે થયો હતો, જો તે વખતે તેમની કારની ઝડપ ઓછી હોત તો અકસ્માત થતો ટાળી શકાયો હોય. ડૉ. શાંતિના પક્ષે કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જો અકસ્માતનો ભોગ બનનારી છોકરી ટ્રાફિક સિગ્નલ ગ્રીન હોવા છતાંય રસ્તો ક્રોસ ના કરી રહી હોત તો અકસ્માત થયો જ ના હોત.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તે વિસ્તારમાં સ્પીડ લિમિટ ૩૦ માઈલ પ્રતિ કલાકની હતી, અને પોતે તેનાથી પણ ઓછી સ્પીડે કાર ચલાવી રહ્યા હતા, અને પોલીસે તેમની સામે કોઈ ગુનો પણ નહોતો નોંધ્યો. જોકે, કોર્ટે આ કેસમાં બચાવ પક્ષને એટલે કે ડૉ. શાંતિ ચંદ્રનને ૬૦ ટકા જવાબદાર ઠેરવીને તેમને ૧.૩૫ લાખ પાઉન્ડનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.SS1MS