Western Times News

Gujarati News

ભારતીય સ્ટુડન્ટ કોઈ પણ જાતની ફી ભર્યા વગર જર્મનીમાં અભ્યાસ કરી શકે છે

ભારતીય સ્ટુડન્ટ્‌સને આકર્ષવા માટે જર્મનીના પ્રયાસો -જર્મનીમાં લગભગ ૪૩,૦૦૦ ભારતીય સ્ટુડન્ટ અભ્યાસ કરે છેઃ ભારતીયો એ સૌથી મોટું ઈન્ટરનેશનલ સ્ટુડન્ટનું જૂથ છે

(એજન્સી)બર્લિન, યુરોપના આર્થિક રીતે શક્તિશાળી દેશ તરીકે જર્મની હંમેશા પોતાની ઈકોનોમીને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે. જર્મનીમાં અત્યારે મોટા ભાગના તમામ ક્ષેત્રમાં સ્કીલ્ડ લોકોની અછત છે. તેના કારણે તે બહારથી વધુને વધુ સ્ટુડન્ટ આવે તેવું ઇચ્છે છે. જર્મની હાલમાં ભારતીય સ્ટુડન્ટ્‌સને આકર્ષવા માટે પ્રયાસ કરે છે. અત્યારે પણ જર્મનીમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભારતીય છે.

જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસના પ્રેસિડન્ટ જોયબ્રેટો મુખરજીએ જણાવ્યું કે અત્યારે જર્મનીમાં લગભગ ૪૩,૦૦૦ ભારતીય સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. તેના કારણે ભારતીયો એ સૌથી મોટું ઈન્ટરનેશનલ સ્ટુડન્ટનું જૂથ છે. ભારતીય સ્ટુડન્ટ માટે જર્મન લેબર માર્કેટને આકર્ષક બનાવવું જરૂરી છે કારણ કે સ્કીલ્ડ વર્કમાં જે ગેપ છે તે દૂર કરવી પડશે.

ગયા વર્ષે જર્મનીના ચાન્સલર ઓલેફ સ્કોલ્ઝ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ મામલે ચર્ચા થઈ હતી. જર્મનીએ નવા સ્કીલ્ડ ઈમિગ્રેશન એક્ટની રચના કરી છે. તેથી ભારતીય વિદ્યાર્થીઓ વધુ સરળતાથી જર્મન લેબર માર્કેટમાં ભળી શકશે. ભારતીય વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં ભણવું વધારે સરળ લાગતું હોય છે તેથી તેમના માટે અંગ્રેજીમાં પણ ઘણા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ભારતીયો માટે શેંગેન એરિયા અને જર્મનીમાં જોબ મેળવવી હવે વધુ આકર્ષક છે. મુખરજીએ કહ્યું કે આ બ્રેઈન ડ્રેઈનની વાત નથી પરંતુ બ્રેઈન સર્ક્‌યુલેશનની વાત છે.

જર્મન સરકારના ડેટા અનુસાર છેલ્લા એક વર્ષમાં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૬ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૨-૨૩ના શિયાળુ સેમેસ્ટરમાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા ૪૩,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી. જર્મન યુનિવર્સિટીમાં પણ સાયન્સ, ટેક્નોલોજી સહિત મોટા ભાગના ફિલ્ડમાં ભારતીય વિદ્યાર્થીઓ જ વધારે જોવા મળે છે. લગભગ ૬૦ ટકા સ્ટુડન્ટ્‌સ એન્જિનિયરિંગને પસંદ કરેછે. ત્યાર બાદ લો, મેનેજમેન્ટ, સોશિયલ સ્ટડીઝમાં ભારતીય વિદ્યાર્થીઓ જોવા મળે છે. ૧૪ ટકા ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં મેથમેટિક્સ અને નેચરલ સાયન્સ પસંદ કરે છે.

જર્મનીમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની યુનિવર્સિટીઓ હોય છે. તેમાં જર્મન ભાષાના જાણકાર સ્ટુડન્ટ સારામાં સારી સરકારી યુનિવર્સિટીઓમાં કોઈ પણ જાતની ટ્યુશન ફી ભર્યા વગર અભ્યાસ કરી શકે છે.

છેલ્લા પાંચ વર્ષમાં જર્મનીમાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા ડબલ થઈ ગઈ છે. જર્મનીમાં એકંદરે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા ૩.૭ ટકા વધી છે પરંતુ ભારતીયોની સંખ્યા એક વર્ષમાં ૨૬ ટકા વધી ગઈ છે.

જર્મનીમાં યુનિવર્સિટીની પસંદગી કરવાની વાત આવે ત્યારે ભારતીયો અલગ અલગ મત ધરાવે છે. જર્મનીમાં ભણતા ભારતીય સ્ટુડન્ટ્‌સ પૈકી ૭૦ ટકા પુરુષ છે અને ૩૦ ટકા છોકરીઓ છે. બીજા દેશોની તુલનામાં જર્મની ઘણું સેફ હોવાથી ભારતીયો પોતાના બાળકોને અહીં ભણવા માટે મોકલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.