Western Times News

Gujarati News

સમુદ્રી સીમામાં બોટ રાઈડ, ટાપુની મુલાકાતની સાથે “મેન્‍ગ્રુવ  સફારી”નો આજથી પ્રારંભ

કચ્છમાં લક્કી નાલા વિસ્તારમાં આજથી ભારતમાં પ્રથમવાર “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ-ભારતમાં સૌપ્રથમવાર “સમુદ્રી સીમા દર્શન”નું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાવતા પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા

અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી કચ્છના લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડનો ફીઝિકલી કરાવ્યો શુભારંભ

“કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા”ના મંત્રને સાકાર કરવા પ્રવાસનના હેતુથી કચ્છમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતના કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં આજથી “સમુદ્રી સીમાદર્શન”નો પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડની ફિઝિકલી શુભારંભ કરાવ્યો હતો.

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂ-સીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સરક્રિક પાસે આવેલ આંતર રાષ્ટ્રીય સીમા પાસે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ થકી બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કચ્છમાં આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે જાણકારી મેળવે તેમજ અહીંની સરહદ પર તૈનાત આપણાં સીમા પ્રહરી એવા બીએસએફના જવાનોની કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ભારતમાં પ્રથમ વખત આજથી “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ થયો છે. ભારતના કચ્છ જિલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો પણ આજથી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડનો પણ લાભ લઈ શકાશે તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે. આ બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલના તબક્કે ૬ સિટર, ૧૨ સિટર અને ૨૦ સિટર આમ અલગ અલગ બોટ ફાળવવામાં આવી છે. જે પૈકી ૬ સીટરની એક બોટ આજથી સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. સમુદ્રની ભરતી-ઓટના સમયને ધ્યાને રાખીને આ બોટ-રાઈડ ચલાવવામાં આવશે.

તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી સમયમાં અહીં પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં ફ્લોટિંગ જેટી, વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન  સેન્ટર, મેન્ગ્રુંવ વોક, ફૂડ કિઓસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેશન સેન્ટર, પબ્લિક યુટિલિટી, BSF ઈન્ટરેકશન ફેસીલીટી, ભૂંગા રિસોર્ટ ,એડવેન્ચર પાર્ક, નેચર ટ્રેઈલસ વગેરેનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટમાં ગુજરાત પ્રવાસનની સાથે સાથે બીએસએફ, વન વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે જેથી આ સુવિધા થકી ક્રિક વિસ્તારમાં પ્રવાસન વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં બોર્ડર રાઈડની સાથે સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલ ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે જ્યાં મેન્‍ગ્રુવના જંગલોની સફર કરાવવામાં આવશે જેથી સમુદ્રી સીમામાં બોટ રાઈડ, ટાપુની મુલાકાતની સાથે “મેન્‍ગ્રુવ  સફારી”નો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર, કચ્છ ખાતે આવેલ હોટલ તોરણ ખાતેથી પ્રવાસીઓ આ બોટ રાઈડ તથા લક્કી નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.