અંતિમ વન ડેમાં બાંગ્લાદેશ સામે ભારતનો ભવ્ય વિજય

ચિત્તોગ્રામ, ઓપનર ઈશાન કિશનની ધમાકેદાર બેવડી સદી અને વિરાટ કોહલીની લાજવાબ સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે શનિવારે ચિત્તોગ્રામ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે ૨૨૭ રને વિજય નોંધાવ્યો હતો. ભારત માટે આ વિજય આશ્વાસન રૂપ રહ્યો હતો કેમ કે બાંગ્લાદેશે પ્રથમ બે વન-ડે જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. બાંગ્લાદેશે ત્રણ મેચની સીરિઝ ૨-૧થી જીતી લીધી છે.
કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે ઈશાન કિશનના ૨૧૦ અને વિરાટ કોહલીના ૧૧૩ રનની મદદથી નિર્ધારીત ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૪૦૯ રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશી ટીમ ૩૪ ઓવરમાં ૧૮૨ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાના કારણે લોકેશ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે તેના સ્થાને ઈશાન કિશનને સામેલ કરવામાં આવ્યો હતો. ઈશાન કિશને તેનો ફાયદો ઉઠાવતા ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી. ઓપનર શિખર ધવન ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. જાેકે, બાદમાં ઈશાન કિશને વિરાટ કોહલી સાથે મળીને બાંગ્લાદેશી બોલર્સની મન મૂકીને ધોલાઈ કરી હતી.
આ જાેડીએ ૨૯૦ રનની ભાગીદારી નોંધાવી હતી. ઈશાન કિશને ૧૨૬ બોલમાં બેવડી સદી ફટકારી હતી. ઈશાન કિશનની વન-ડેમાં આ પ્રથમ સદી હતી અને તેને બેવડી સદીમાં કન્વર્ટ કરનારો તે વિશ્વનો પ્રથમ બેટર બન્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય વન-ડેમાં બેવદી સદી ફટકારનારો ભારતનો ચોથો બેટર બન્યો હતો.
તેણે ૧૩૧ બોલમાં ૨૪ ચોગ્ગા અને ૧૦ સિક્સરની મદદથી ૨૧૦ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ૭૨મી સદી ફટકારીને રિકી પોન્ટિંગના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. કોહલી ૯૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૧૧૩ રન નોંધાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરે ૩૭ અને અક્ષર પટેલે ૨૦ રન ફટકાર્યા હતા. લોકેશ રાહુલ આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ માટે તાસ્કિન અહેમદ, એબાદત હુસૈન અને સાકિબ અલ હસને બે-બે વિકટે ખેરવી હતી. જ્યારે મેંહદી હસન મિરાઝ અને મુસ્તાફિઝુરને એક-એક સફળતા મળી હતી. બાંગ્લાદેશ સામે ૪૧૦ રનનો વિશાળ લક્ષ્યાંક હતો. પરંતુ ભારતીય બોલર્સ સામે બાંગ્લાદેશના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા.
બાંગ્લાદેશી ટીમ ઈશાન કિશનના વ્યક્તિગત ૨૧૦ રનના સ્કોર સુધી પણ પહોંચી શકી ન હતી. બાંગ્લાદેશની ટીમ ૩૪ ઓવર્સમાં ૧૦ વિકેટે ૧૮૨ રન નોંધાવીને ઓલ-આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે સાકિબ અલ હસને સૌથી વધુ ૪૩ રન નોંધાવ્યા હતા. જ્યારે લિટન દાસે ૨૯, યાસિર અલીએ ૨૫ અને મહમદુલ્લાએ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરંત તાસ્કિન અહેમદ ૧૭ રન નોંધાવીને અણનમ રહ્યો હતો. ભારત માટે શાર્દૂલ ઠાકુરે ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે અક્ષર પટેલ અને ઉમરાન મલિક બે-બે તથા મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ ઝડપી હતી.