IPL ૨૦૨૧ પૂર્ણ ન થઇ તો બીસીસીઆઇને ૨૫૦૦ કરોડનું નુકશાન થશે : સૌરભ ગાંગુલી
નવીદિલ્હી: ઈન્ડિયન પ્રિમિયર લીગ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગના દમ પર બીસીસીઆઇ કરોડો રૂપિયાની કમાણી કરે છે. જેથી વર્લ્ડ ક્રિકેટમાં તેનું માન પણ વધ્યું છે. પરંતુ કોવિડ-૧૯ના કારણે આ લીંગની ૧૪મી સિઝનને સ્થગિત કરી દેવમાં આવી છે. જેથી દુનિયાના સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઇને આર્થિક નુકશાન થઇ શકે છે. બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ તો એમ પણ કહ્યું કે, આઇપીએલ ૨૦૨૧ની બાકીની મેચ જાે નહિ રમાય તો બીસીસીઆઇને ૨૫૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થઇ શકે છે.
જાેકે, ધ ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં સૌરવ ગાંગુલીએ આઈપીએલ ૨૦૨૧ ના મુલતવી રાખવાને ભારતીય ક્રિકેટ માટે મોટો આંચકો માનવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ટૂર્નામેન્ટની ૩૧ મેચ બાકી છે અને તેની મુલતવી મોટો આંચકો નથી. આની અસર આઈપીએલની બ્રાંડ વેલ્યૂ પર થશે નહીં. ગાંગુલીએ કહ્યું કે, ‘હું તેને આંચકો નહીં કહીશ.
ભૂલશો નહીં કે વિમ્બલ્ડન અને ઓલિમ્પિક્સ ગયા વર્ષે પણ યોજાયા ન હતા. આ અભૂતપૂર્વ સમય છે અને આપણે આગળ વધવાની જરૂર છે. આપણે આ સ્થિતિમાં ઘણું બધુ કરી શકતા નથી. અમે ફક્ત સુધારણા માટેના સમયની રાહ જાેઇ શકીએ છીએ. જ્યારે સૌરવ ગાંગુલીને આઈપીએલ ૨૦૨૧ મુલતવી રાખવાને કારણે થયેલા આર્થિક નુકસાન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જાે આ ટૂર્નામેન્ટ પૂર્ણ નહીં થાય તો તે બીસીસીઆઈને આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કરશે.
આપને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીની નજર ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા બાકીની આઈપીએલ મેચોનું આયોજન કરવા પર છે. ગાંગુલીએ કહ્યું કે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ બીસીસીઆઈ આઈપીએલની વિંડો પર અન્ય ક્રિકેટ બોર્ડ સાથે વાત કરશે. ગાંગુલીએ કહ્યું કે બીસીસીઆઈ તેના પર કામ શરૂ કરશે.