શું તમારું સંતાન કોઈના પીઅર પ્રેશર હેઠળ છે ?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Child-3.jpg)
જાણો બાળકોના મન-મગજ પર કોઈકના છવાઈ જવાના સારાં-નરસાં પાસાં
સાત વર્ષની સ્નેહા તેની મમ્મી સ્મૃતિ સાથે બેસીને ટચૂકડા પડદે આવતા ડાન્સ રીઆલિટી શોઝ હોંશે હોેશે જાેતી, ખાસ કરીને બાળકો માટેના શોઝમાં તેને ઝાઝો રસ પડતો. મહત્વની વાત એ છે કે આ શોઝમાં ડાન્સ કરતા સ્પર્ધકો કરતા તેને તેની નિર્ણાયકોના જાેવામાં વધુ રસ પડતો. શોઝની મહિલા નિર્ણાયકોના ડ્રેસિંગ અને મેકઅપને તે બહુ ધ્યાનપૂર્વક નિહાળતી. તેમાંય તેને શિલ્પા શેટ્ટી અત્યંત પ્રિય હતી. ધીમે ધીમે શિલ્પા શેટ્ટી તેના દિલોદિમાગ પર એટલી હદે છવાઈ ગઈ કે સ્નેહાને તેની જેમ જ મેકઅપ, હેરસ્ટાઈલ અને ડ્રેસિંગ કરવાનું ઘેલું લાગ્યું. સામાન્ય સંજાેગોમાં તો તેને આવું કાંઈ કરવાની તક ન મળતી. પરંતુ તેની શાળામાં ફ્રેન્સી ડ્રેસ કમ્પીટિશન હતી ત્યારે તેણે આ મોકો ઝડપી લીધો. તે બદલ શિલ્પા શેટ્ટીને જેમ જ તૈયાર થઈને શાળામાં ગઈ.
આ વેશભૂષામાં તેની ખૂબ પ્રશંસા પણ થઈ અને તે અવ્વલ નંબરે આવી. બસ ત્યાર પછી તેને એમ લાગવા લાગ્યું કે તે જુનિયર શિલ્પા શેટ્ટી બની ગઈ છે. હવે સ્નેહાએ શિલ્પા વિશે ગૂગલ સર્ચ કરવા માંડ્યું. તેને જયારે જાણ થઈ કે શિલ્પા નિયમિત રીતે યોગ, ધ્યાન, વર્કઆઉટ કરે છે અને માત્ર પૌષ્ટિક આહાર લે છે ત્યારે સ્નેહાએ પણ તેના જેવી જ જીવનશૈલી અપનાવી. તેનું જરાસરખું વજન ધતું તો તે ચિંતામાં પડી જતી. તેના પર પડેલો આ અદાકારાનો પ્રભાવ સ્નેહાની મમ્મી માટે ચિંતાનો વિષય બની ગયો હતો. છેવટે સ્મૃતિએ આ બાબતે મનોચિકિત્સકનો સંપર્ક કર્યો.
મનોચિકિત્સકે સ્મૃતિને કહ્યું કે, બાળકો તેમ જ તરૂણો પર કોઈકનો આત્યંતિક પ્રભાવ પડવો અને એ પ્રભાવ હેઠળ તેમનું સંબંધિત વ્યક્તિ જેવું વર્તન કરવું, તેમની નકલ કરવી તેને પીઅર પ્રેશર કહેવામાં આવે છે. જે તે બાળક તે તરૂણ જે વ્યક્તિના પ્રભાવ હેઠળ હોય તેની જેમ બોલેચાલે, તેના જેવું વર્તન કરે, તેના જેવા જ બનવાના શમણાં જુએ, પરંતુ આ પીઅર પ્રેશર પોઝિટિવ હોય ત્યાં સુધી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હા, તે નેગેટિવ હોય તો બાળક કે કિશોરના વિકાસને રૂંધનારું બની રહે એ વાત ચોકકસ. તેમણે સ્નેહાની જ વાત કરતાં કહ્યું હતું કે શિલ્પા શેટ્ટીની જેમ યોગ, ધ્યાન, વર્કઆઉટ કરે છે, તેની આહારશૈલીને અનુસરે છે તે બહુ સારી વાત છે આને આપણે પોઝિટિવ પીઅર પ્રેશરમાં ગણી શકીએ. પરંતુ વધતી વયમાં તેનું વજન વધે ત્યારે તે ચિંતામાં પડી જાય કે પછી હમણાંથી જ શિલ્પા શેટ્ટી જેવા નખરા કરે તેને નેગેટિવ પીઅરે પ્રેશર લખાય. સ્નેહાના કેસમાં તેના ઉપર એક જ વ્યક્તિનું પોઝિટિવ અને નેગેટિવ એમ બંને પ્રકારનું પીઅર પ્રેશર છે. બાકી સામાન્ય સંજાેગોમાં જે તે બાળક- તરૂણ પર ચોકકસ પ્રકારનું જ પીઅર પ્રેશર હોય છે. જાે તે સકારાત્મક હોય તો તેના માટે ફાયદાકારક બની રહે છ. પરંતુ જાે તે નકારાત્મક હોય તો તે ઉગતી જુવાનીમાં જ ખોટા રવાડે ચડી જાય છે. તેથી જયારે તમારું સંતાન કોઈકની નકલ કરે ત્યારે તરત જ તેની નોંધ લો અને જરૂર પડયે આવશ્યક પગલાં પણ લો. ચાહે તે ઘરની વ્યક્તિ હોય કે પછી બહારની.
મનોચિકિત્સક સ્મૃતિને પીઅર પ્રેશરના જે પ્રકાર કહ્યા તેની નોંધ પ્રત્યેક માતાપિતાએ લેવી જાેઈએ. તેમણે સ્મૃતિને કહ્યું હતું કે પીઅર પ્રેશર ચાર પ્રકારના હોય છે. (૧) પોઝિટિવ (ર) નેગેટિવ, (૩) એક્ટિવ, (૪) પેસિવ તેમણે આ ચારેય પ્રકારના પીઅર પ્રેશર વિશે વધું સમજ આપતા કહ્યું હતું…, પોઝિટિવ પીઅર પ્રેશર ઃ આ કેસમાં બાળકો કે કિશોરો અન્યોની સારી બાબતોને અનુસરે છે જેમકે તેમના મિત્રો, ભાઈ-બહેનો કે અડોશપડોશમાં કોઈ બહુ સારા ગુણાંક સાથે પાસ થાય તો તેમને પણ તેમના કરતા વધુ સારા માકર્સથી પાસ થવાની ચાનક પડે. અને તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા લાગે. તેવી જ રીતે ઘરના સભ્યોને અન્યો સાથે શાલીનતાથી વાત કરતા જાેઈને તેઓ પણ બધા સાથે એટલી જ શાલીનતાથી વાત કરે.
આ પ્રકારનું પીઅર પ્રેશર બાળક – તરૂણના ભાવિ તેમ જ સમાજ માટે પણ ફાયદાકારક બની રહે છે. નેગેટિવ પીઅર પ્રેશર ઃ બાળક-તરૂણ અન્ય કોઈની ખોટી આદતોની નકલ કરે ત્યારે તે પોતાના માટે જ નહી, સમગ્ર પરિવાર માટે મુશ્કેલીઓ નોતરી બેસે છે જેમ કે આલ્કોહોલ લેવું, ધૂમ્રપાન કરવું, છેતરપિંડી કરવી, ખોટું બોલવું ઈત્યાદિ. એક્ટિવ પીઅર પ્રેશર ઃ આવા કેસમાં બાળકો-કિશોરો પર યેનકેન પ્રકારેણ ચોકકસ પ્રવૃતિમાં રાચવા- દબાણ કરવામાં આવે છે. જેમ કે દારૂ પીવા કે પછી ધૂમ્રપાન કરવા. આ પ્રકારના દબાણમાં તેજ ગતિથી વાહન હંકારવા જેવી પ્રવૃતિ અત્યંત જાેખમી બની રહે છે. પેસિવ પીઅર પ્રેશર ઃ આ પ્રકારમાં બાળક-તરૂણ પર કોઈક મિત્રનો ભારે પ્રભાવ હોય છે અને આ પ્રભાવના દબાણ હેઠળ તે તેના જેવો થવાનો દંભ કરે છે જયારે હકીકતમાં તે તેના જેવો બનતો નથી.
મનોચિકિત્સકે સ્મૃતિને કહ્યું હતું કે સ્નેહા શિલ્પા શેટ્ટીના પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની પીઅર પ્રેશરમાં છે. તેથી તેને હમણા એ સમજાવવાની જરૂર છે કે વધતી જતી વયમાં વજન વધવું ચિંતાનું કારણ ન હોઈ શકે, બલ્કે વજન ન વધવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય. તેને શિલ્પાની આહારશૈલીમાંની લાભકારક બાબતને અનુસરવી જાેઈએ બાકી તેનું જડબેસલાક પાલન કરવા માટે તે હજી ઘણી નાની છે. વળી દરેક વ્યક્તિને ચોક્કસ પ્રકારનું આહાર નિયોજન લાગુ ન પડે. તેથી તેણે ઘરમાં બનતી દરેક વસ્તુ ખાવીપીવી જાેઈએ. તેવી જ રીતે તેના વસ્ત્રાભૂષણો કે શ્રુંગારની નકલ કરવા માટે પણ તે હજી ઘણી નાની ગણાય.
તેને હમણાં પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. મનોચિકિત્સકે ઉમેર્યું હતું કે પ્રત્યેક માતા પિતાએ પોતાના બાળકો તેમ જ ટીનએજ સંતાનો પર બારીક નજર રાખવી જાેઈએ. જાે તેમને સંતાનોનું વર્તન કોઈપણ રીતે બદલાયેલું જણાય તો તરત જ સતર્ક થઈને જરૂર પડયે આવશ્યક પગલાં લેવા જાેઈએ. ચાહે તે પીઅર પ્રેશર બાબતે હોય કે અન્ય કોઈ બાબતે, જાે તેમનું સંતાન પેસિવ પીઅર પ્રેશર હેઠળ કોઈની નકલ કરતું લાગે તો તેને તેની પોતાની મહત્તા સમજાવો. આમ કરવાથી તેનો આત્મવિશ્વાસ બુલંદ બનશે. તેમણે કિશોરાવસ્થામાં જાેવા મળતા પીઅર પ્રેશરના લક્ષણો વિશે કહ્યું હતું કે આવી સ્થિતિમાં નવા મિત્રો બનાવવા, પોતાના કરતા અન્યો પર વધુ ધ્યાન આપવું, કયારેક બહુ ખુશ થઈ જવું તો કયારેક અકારણ ક્રોધે ભરાઈ જવું, અકારણ ઉદાસ થઈ જવું, મુશ્કેલી આવે ત્યારે ગભરાઈ જવું, અવસાદને કારણે ધૂમ્રપાન – આલ્કોહોલ કે નશીલા પદાર્થોનું સેવન કરવું, સંતાનના વ્યવહારમાં સકારાત્મક કે પછી નકારાત્મક બદલાવ આવવો, શાળામાં જવા અખાડા કરવા, નીંદર ન આવવી, ઈત્યાદિ જાેવા મળે છે બહેતર છે કે વાત વણસે તેનાથી પહેલા સતર્ક થઈને આવશ્ય પગલાં લેવામાં આવે.