તાંત્રિકના આશીર્વાદ લીધા પછી પોતાના જ પરિવારના 6 લોકોની હત્યા કરી
પરિવારજનોની હત્યા કર્યા બાદ આપઘાત કરનાર મનીષ તાંત્રિક વિધિમાં ફસાયો હોવાની આશંકા સેવાઈ રહી છે
સુરત, સુરતના અડાજણમાં એક જ પરિવારનાં ૭ લોકોએ જીવન ટૂંકાવ્યું. ત્યારે સુરત સામૂહિક આપઘાત કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં સીટની રચના કરાઈ છે. આ તપાસમાં ટીમને એવું કંઈક મળ્યું જે ચોંકાવનારું છે. મૃતક મનીષ સોલંકીનો તાંત્રિક વિધિનો વીડિયો સામે આવ્યો છે. મનીષ સોલંકી તાંત્રિક માયાજાળમાં ફસાયો હોવાની આશંકા છે.
સુરતમાં ૭ લોકોનો આપઘાત કિસ્સો દિલ્હીના બુરાડી કેસને મળતો આવે છે. જેમાં અંધશ્રદ્ધા કારણભૂત હતી. ત્યારે સુરતમાં સોલંકી પરિવારમાં આર્થિક ભીંસથી કંટાળીને પરિવારે આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો જ છે. મનીષ સોલંકીને અલગ અલગ લોકો પાસેથી ૧ કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી, વિશ્વાસમાં આપેલી રકમ પરત ન આવતા તેમણે આ પગલુ ભર્યુ હતું. પરંતું એક અલગ થિયરી પણ સામે આવી છે.
સોલંકી પરિવારના સામૂહિક આપઘાત મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાનો પુરાવો આપતો એક વીડિયો સામે આવ્યો છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા છે.
સુરતમાં ૭ લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, માતા અને દીકરીનું ગળુ દબાવીને મોત થયું હતું. અન્ય ૪ પરિવારજનોના મોત ઝેરી દવા ગટગટાવીને થયું હતું. ત્યારે પરિવારના સભ્યો બાદ મનીષ શાંતિલાલ સોલંકીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
આમ સોલંકી પરિવારના કુલ ૭ સભ્યોએ સામુહિક આપઘાત કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો. પોતે આપઘાત કરી લેનાર મનીષ સોલંકીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે તેમને અલગ અલગ લોકો પાસેથી ૧ કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. પરંતુ લોકો તેમને રૂપિયા પરત આપતા ન હતા. જેથી રૂપિયા સલવાયા હોવાના કારણે પણ તેમણે આવું પગલું ભર્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.